ગુજરાત સરકારના વહીવટી તંત્રને વધુ પારદર્શક, ઝડપી અને જવાબદારીપૂર્વક બનાવવા માટે રાજ્ય સરકારે એક બહુ મોટો અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. સરકારી કર્મચારીઓ સામે થતી ખાતાકીય તપાસની વર્ષો સુધી લટકતી પ્રક્રિયાનો અંત લાવવા માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ નવી માર્ગદર્શિકા અંતર્ગત હવે જો ખાતાકીય તપાસમાં કોઈ અધિકારી જાણીબૂઝીને વિલંબ કરશે, તો તે વિલંબ કરનાર જવાબદાર અધિકારી સામે પણ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

પ્રાથમિક તપાસ કરનાર જ ખાતાકીય તપાસ નહીં કરે

રાજ્ય સરકારના આ નવા નિયમો મુજબ તપાસ પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી જે અધિકારીએ કર્મચારી સામે 'પ્રાથમિક તપાસ' કરી હશે, તે જ અધિકારી આગળની 'ખાતાકીય તપાસ' કરી શકશે નહીં. આ નિર્ણયથી તપાસમાં નિષ્પક્ષતા જળવાઈ રહેશે. આ ઉપરાંત, સમગ્ર પ્રક્રિયાને સમયબદ્ધ બનાવવા માટે સરકારે આદેશ કર્યો છે કે કોઈપણ કેસમાં હવે એક મહિનાની અંદર કારણદર્શક નોટિસ આપવી ફરજિયાત રહેશે.

નિવૃત્ત કર્મચારીઓના કેસોમાં ખૂબ જ ઝડપથી નિર્ણય લેવાનો કડક આદેશ

ખાસ કરીને નિવૃત્ત કર્મચારીઓના કેસમાં વર્ષો સુધી પેન્શન અને ગ્રેચ્યુઈટી અટકી પડવાની ફરિયાદો ઉઠતી હોય છે, તેને ધ્યાને રાખીને નિવૃત્ત કર્મચારીઓના કેસોમાં ખૂબ જ ઝડપથી નિર્ણય લેવાનો કડક આદેશ આપવામાં આવ્યો છે. સરકારનો ઉદ્દેશ્ય કર્મચારીઓને બિનજરૂરી હેરાનગતિમાંથી બચાવવાનો અને દોષિતોને વહેલી તકે સજા આપવાનો છે. સામાન્ય વહીવટ વિભાગે રાજ્યના તમામ સરકારી વિભાગો, સચિવાલયના ખાતાઓ અને કલેક્ટર કચેરીઓને આ નવી ગાઇડલાઇન મોકલીને તાત્કાલિક અસરથી તેનો અમલ શરૂ કરવાના કડક નિર્દેશ આપ્યા છે.


આ પણ વાંચો-----    Surat : વસતી ગણતરીના પહેલા જ દિવસે ફિયાસ્કો, કીટ ન મળતા શિક્ષકો રોષે ભરાયા, સેન્ટર અલગ-અલગ જગ્યાએ ફાળવાતા વિરોધ