ગાંધીનગર તાલુકા સેવા સદનનું લોકાર્પણ થયાને એક મહિના જેટલો સમય થઈ ગયો છે. જોકે કોર્પોરેશન ઈલેક્શન સહિતની કામગીરીને પગલે સ્ટાફ નવી કચેરીમાં ગયો ન હતો. જોકે હવે સ્ટાફ દ્વારા નવી બિલ્ડિંગમાં જવાની તૈયારી કરી લીધી છે, જેને લઈને આજે અધિકારી-કર્મચારીઓએ વિધિવત રીતે કચેરીમાં પ્રવેશ કર્યો હતો. આ સમયે મુલાકાતે આવેલા કલેક્ટર અને અરજદારોનું પણ પુષ્પ અને તિલકથી સ્વાગત કરાયું હતું. તંત્ર દ્વારા હવે થોડા દિવસોમાં મહત્વની ફાઈલો અને સામાન ખસેડી લેવાનું આયોજન કર્યું છે, જેને પગલે દિવાળી પહેલાં જ તાલુકા સેવા સદન સંપૂર્ણ રીતે ધમધમી જાય તેમ છે. જેમાં કલેક્ટર બિલ્ડિંગમાં કાર્યરત પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, જનસેવા કેન્દ્ર અને ઈ-ધારા કેન્દ્ર નવીન બિલ્ડિંગમાં શીફ્ટ થઈ જશે. સેક્ટર-11માં કલેક્ટર કચેરીની પાછળ 42 કરોડના ખર્ચે ગાંધીનગર તાલુકા સેવા સદનનું ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળનું બિલ્ડિંગ તૈયાર કરાયું છે. જેમાં જનસંપર્ક હેઠળની તમામ સુવિધાઓ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ રાખવામાં આવશે, જેથી એક જ સ્થળે જન સુવિધાઓ વધુ સુવ્યવસ્થિત, ઝડપી અને સુરક્ષિત બનશે. કેમ્પસમાં આંતરિક માળખાકીય સુવિધાઓ અંતર્ગત આંતરિક રસ્તા, રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, ફાયર સિસ્ટમ, અંડરગ્રાઉન્ડ પાર્કિંગ, સમ્પ તથા પાણીના બોર જેવી સુવિધાઓ ઉભી કરાઈ છે. જ્યારે કેમ્પસમાં અવરજવર માટે 6 અલગ-અલગ એન્ટ્રી-એક્ઝિટ ગેટ બનાવાયા છે. અરજદારોની સુવિધા માટે 16 લોકોની ક્ષમતાવાળી બે લીફ્ટ, દરેક માળે કોમન ટોઈલેટ, દિવ્યાંગો માટે ટોઈલેટ જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. મુખ્ય કચેરીઓ ઉપરાંત રેકોર્ડની જાળવણી માટે જરૂરી સ્ટોરરૂમની જોગવાઈમાં કોમ્પેક્ટર સિસ્ટમની સુવિધા રાખવામાં આવેલ છે. આ ઉપરાંત 2 કોન્ફ્રન્સ રૂમ, ડાઈનીંગ એરીયા, જીમ, યોગા રૂમ, રીક્રિએશન એરીયા તથા ઘોડીયાઘર જેવી આનુષંગિક સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. નવી બિલ્ડિંગમાં અંડરગ્રાઉન્ડ પાર્કિંગ સાથે કેમ્પસમાં પણ પાર્કિંગ માટે જગ્યા છે. જેને પગલે કર્મચારી અને અરજદારોને વાહન પાર્કિંગ માટે જગ્યા મળી રહેશે. બીજી તરફ કલેક્ટર કચેરીમાંથી પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, જનસેવા કેન્દ્ર ખસેડાતા અહીં પણ પાર્કિંગની સમસ્યાનો ઉકેલ આવે તેવી શક્યતા હાલ જોવાઈ રહી છે.
