ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે ચારેય તાલુકામાં વરસાદ પડયો હતો. માણસા પંથકમાં બપોરે 2વાગ્યા બાદ વરસાદ શરૂ થયા બાદ ચાર વાગ્યા સુધીમાં એક ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. જ્યારે દહેગામ પંથકમાં બપોરે 12થી 2 વચ્ચે 15 એમએમ એટલે અડધા ઈંચથી વધુ વરસાદ, કલોલમાં બપોરે 2થી 4 વચ્ચે 11 એમએમ એટલે અડધા ઈંચ જેટલો વરસાદ જ્યારે ગાંધીનગર તાલુકામાં છૂટાછવાયા વરસાદ વચ્ચે ચાર વાગ્યા સુધીમાં માંડ 7 એમએમ વરસાદ પડયો હતો. માણસા પંથકમાં થોડા સમય માટે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે ભારે વરસાદની આગાહી વચ્ચે સાંજ સુધી કોઈ વિસ્તાર જળમગ્ન થયો હોય તેવું બન્યું હતું. જેને પગલે એંકદરે તંત્રને રાહત રહી હતી. ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પંચાયત, કોર્પોરેશન તંત્ર આખો દિવસ દરમિયાન એલર્ટ મોડ ઉપર જોવા મળ્યું હતું જેમાં કોઈપણ પરિસ્થતિમાં ઝડપી મદદ અને કામગીરી માટે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો, ડી-વોટરિંગ પમ્પ, ફાયટર પમ્પ તથા જરૂરી સાધાન-સામગ્રી સાથે ટીમોને સ્ટેન્ડબાય રખાઈ હતી. સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખવા માટે અધિકારી-કર્મચારીઓને સાવચેત રહેવા સાથે હેડક્વાર્ટર ન છોડવા આદેશ અપાયો હતો. અગમચેતીના ભાગરૂપે જિલ્લાની શાળાઓ, આંગણવાડીઓ તથા કૉલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. જેને પગલે વરસાદી માહોલ વચ્ચે વાલીઓને બાળકોને લેવા-મુકવા જવાની દોડાદોડમાંથી રાહત મળી ગઈ હતી. કોઈપણ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સાબરમતી નદીના તટ, સંત સરોવર તથા અન્ય જળાશયો આસપાસ પણ તંત્ર દ્વારા સતત નજર રખાઈ હતી. ગાંધીનગરમાં આવતીકાલે 1 ઓગસ્ટના રોજ પણ છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અથિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બીજી ઓગસ્ટના રોજ 40થી 50 કિલોમીટર ગતિએ પવન ફૂંકાવા સાથે છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે ત્રણથી છ ઓગસ્ટ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો