રાજ્યમાં ગ્રીન કવર વધારવા માટે સરકાર દર વર્ષે કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં વાવેલા પ્રત્યેક પાંચ વૃક્ષમાંથી એક વૃક્ષ નાશ પામ્યું છે. આયોજનના અભાવે અને યોગ્ય જાળવણી ન થતા સરકારી તિજોરીના કરોડો રૂપિયા જાણે ધૂળમાં મળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
આંકડાકીય માયાજાળ અને જંગી ખર્ચ
વિધાનસભામાં ધારાસભ્યોએ માંગેલી માહિતી અનુસાર, વર્ષ 2022 થી 2025 દરમિયાન રાજ્યના 22 જિલ્લાઓમાં કુલ 745.28 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેની પાછળ સરકારે 73,885 લાખ થી વધુનો માતબર ખર્ચ કર્યો છે. જોકે, આશ્ચર્યજનક રીતે આમાંથી 121 લાખથી વધુ વૃક્ષો નાશ પામ્યા છે. લાખોના ખર્ચે મસમોટા કાર્યક્રમો યોજીને વૃક્ષારોપણ તો કરવામાં આવે છે, પરંતુ ત્યારબાદ તેની જાળવણી રામભરોસે છોડી દેવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
