ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર અને ગોલથરા ખાતે આયોજિત ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં સહભાગી થવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસમાં મુસાફરી કરી હતી. રાજ્યપાલે જ્યારે ગાંધીનગરથી નારદીપુર જવા માટે એસ.ટી. બસમાં પ્રયાણ કર્યું હતું. મુસાફરી દરમિયાન રાજ્યપાલે કોઈપણ ઔપચારિકતા વિના સહપ્રવાસીઓ સાથે સહજ અને આત્મીય સંવાદ સાધ્યો હતો. તેમણે મુસાફ્રોના ક્ષેમ-કુશળ પૂછીને તેમના રોજિંદા જીવન અંગે વાતચીત કરતાં ગ્રામ્ય વિકાસ તથા પ્રાકૃતિક કૃષિ અંગે પણ ચર્ચા કરી હતી. રાજ્યપાલ દર અઠવાડિયે રાજ્યના એક તાલુકાના ગામની મુલાકાત લઈને વૃક્ષારોપણ, સ્વચ્છતાં અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતી ગ્રામસભા જેવા કાર્યક્રમ યોજે છે. છેલ્લા સવા વર્ષથી ચાલી રહેલાં ગ્રામ કલ્યાણ કાર્યક્રમમના ભાગરૂપે રાજ્યપાલ આજે કલોલ તાલુકાના નારદીપુર ગામે પહોંચ્યા હતા. અહીં નારદીપુર ગ્રામ પંચાયત સ્થિત વોટર સપ્લાય ટેન્ક પાસે ગ્રામજનો સાથે એક પેડ મા કે નામ 3.0 અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતુ. ગ્રામજનોને સંકલ્પ લેવડાવતા તેમણે વાવેતર કરેલા વૃક્ષોનું માત્ર એક વર્ષ સુધી યોગ્ય જતન કરવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલે કહ્યું હતું કે, એક વર્ષના જતનમાં વૃક્ષ તમારું અને આવનારી પેઢીનું પાલન પોષણ કરશે. દરેક નાગરિક પોતાના કે બાળકોના જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ જેવા શુભ પ્રસંગોએ ઓછામાં ઓછા એક વૃક્ષનું વાવેતર કરી તેનો ઉછેર કરે તેવી રાજ્યપાલે અપીલ કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો