રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા ગામની બે દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. આ બે દિવસો દરમિયાન તેઓએ ખુદ ઝાડુ પકડીને ગામની સફાઇ કરી ગંદકી દુર કરી હતી. સાથેસાથે સામુહિક વૃક્ષારોપણ અને વિદ્યાર્થીઓ ગ્રામજનો સાથે યોગાભ્યાસ પણ કર્યો હતો. તેઓએ આ પ્રસંગે દેશીગાયનું દુધ દોહીને પોતે પ્રથમ ખેડૂત અને પશુપાલક હોવાની યાદ તાજી કરી હતી.
ચંદ્રાલાના ગ્રામજનો સાથે તેઓ જ્યોતિ વિદ્યા મંદિરના પરિસરમાં જઇને સામુહિક વૃક્ષારોપણ કર્યુ હતું. આ પ્રસંગે તેઓએ આયુર્વેદિક, ફળાઉ અને ઘટાદાર પ્રકારના 23 પ્રજાતિના 500 રોપાઓનું વાવેતર કર્યુ હતું. આ પ્રસંગે તેઓએ ગ્રામજનોને વૃક્ષની મહત્તા સમજાવી હતી. તેઓએ વાવેતર કરાયેલા રોપાઓ સુકાઇ ન જાય તે માટે ગ્રામજનોને માત્ર ત્રણ વર્ષ રોપાઓનું પ્રમાણિકતાથી જતન કરવા હાંકલ કરી હતી. તેઓએ લોકોને પોતાના બાળકોના જન્મદિવસે અને મેરેજ અનિવર્સરી પ્રસંગે ઓછામાં ઓછુ એક વૃક્ષ વાવવા પણ આહવાન કર્યુ હતું.
