ગુજરાતમાં ઉનાળુ મગનું વાવેતર કરતા ખેડૂતો માટે રાજ્ય સરકારે એક ખૂબ જ મહત્વની અને રાહત આપતી જાહેરાત કરી છે. વર્ષ 2025-26ના ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવા માટે આવતીકાલ તા. 27મે, 2026થી ખેડૂતોની ઓનલાઇન નોંધણી પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થવા જઈ રહી છે. ખેડૂતો આગામી તા. 10 જૂન,2026સુધી એટલે કે કુલ 15 દિવસ સુધી ગ્રામ્ય સ્તરે જઈને આ રજીસ્ટ્રેશન કરાવી શકશે.
વિનામૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવી શકશે
રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાં આવેલા ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે જઈને VCE (વિલેજ કોમ્પ્યુટર આંત્રપ્રિન્યોર) મારફતે કોઈ પણ જાતના શુલ્ક વિના એટલે કે બિલકુલ વિનામૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવી શકશે. પારદર્શિતા જાળવી રાખવા માટે આ નોંધણી પ્રક્રિયા ખેડૂતોના ફિંગરપ્રિન્ટ (બાયોમેટ્રીક) અથવા ફેસ ઓથેન્ટીકેશન (ચેહરો ઓળખીને) ના માધ્યમથી કરવામાં આવશે. ટેકાના ભાવે વેચાણનો લાભ લેવા માટે ખેડૂતોએ 'ફાર્મર રજીસ્ટ્રેશન' કરાવવું ફરજિયાત છે, અને તેમાં પોતાના તમામ સર્વે નંબરનો સમાવેશ કરાવવો જરૂરી છે.
ખેડૂત મિત્રો બે પદ્ધતિથી રજીસ્ટ્રેશન કરાવી શકે છે
ખેડૂતો જાતે જ ઓનલાઇન પોર્ટલ gjfr.agristack.gov.in પર જઈને અથવા ગુગલ પ્લે સ્ટોર પરથી ‘ફાર્મર રજીસ્ટ્રી ગુજરાત' મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને નોંધણી કરી શકે છે.આ ઉપરાંત ખેડૂતો ગામના VCE, VLE ઓપરેટર, CSC સેન્ટર્સ અથવા ગ્રામસેવક પાસે રૂબરૂ જઈને પણ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
સર્વે નંબર પોતાની સાથે રાખવાનો રહેશે
નોંધણી કરાવતી વખતે ખેડૂતોએ પોતાનું ઓળખપત્ર (આધાર કાર્ડ), તેની સાથે લિન્ક થયેલો ચાલુ મોબાઈલ નંબર અને જમીનની વિગતો દર્શાવતો સર્વે નંબર પોતાની સાથે રાખવાનો રહેશે. નોંધનીય છે કે, ભારત સરકારે ઉનાળુ મગ પાક માટે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 8768નો ટેકાનો ભાવ જાહેર કર્યો છે. હાલમાં બજારભાવ ટેકાના ભાવ કરતાં નીચા હોવાથી, ભારત સરકારના 'પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન’ અંતર્ગત ખેડૂતો આ આયોજનનો મહત્તમ લાભ લઈ આર્થિક નુકસાનથી બચી શકે છે.
આ પણ વાંચો---- Vadodara : વાલીઓ.. ખિસ્સા ખાલી કરવા તૈયાર રહેજો, સ્કૂલ વેન એસોસિએશનનો એવો નિર્ણય કે સાંભળીને જ બજેટ ખોરવાઈ જશે