ગુજરાત રાજ્યના હજયાત્રીઓ માટે હજની ફ્લાઈટ મે મહિનાથી શરૂ થાય તેમ છે. ત્યારે તે પહેલાં નિયમ મુજબ હજયાત્રીઓએ વેક્સિનેશન કરાવવું ફરજિયાત છે. જે અંતર્ગત ગાંધીનગર સિવિલ ખાતે આજે 70 જેટલા હજયાત્રીઓને જરૂરી વેક્સિન અપાઈ હતી. જ્યારે 20 જેટલા હાજીઓને મંગળવારે વેક્સિન અપાશે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પીપી યુનિટ ખાતે હજયાત્રીઓ માટે ખાસ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ડો. હર્ષલ પરીખના માર્ગદર્શનમાં આજે 70 હજયાત્રીઓને મેનિન્ગોકોકલ અને પોલિયોની રસી આપવામાં આવી હતી. જ્યારે મોટી ઉંમરના કોમોર્બિટ દર્દી એટલે નાની-મોટી અન્ય બિમારી ધરાવતા લોકોને ઈનએક્ટિવ ઈન્ફ્લ્યુએન્ઝા વેક્સિન પણ અપાઈ હતી. રસીકરણ કેમ્પને લઈને સિવિલ ખાતે સવારથી જ હજયાત્રીઓની લાઈન લાગી હતી. જેમાં તેઓના બ્લડપ્રેશર સહિતની પ્રાથમિક આરોગ્ય તપાસ બાદ તેઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતુ. ભીડમાં ચેપીરોગનો ફેલાવો થવાની સંભાવના વધારે રહે છે. જેને પગલે હજયાત્રીઓ માટે વેક્સિનેશન ફરજિયાત છે. જેને લઈને ગુજરાત સરકાર દ્વારા હાજીઓને વિનામૂલ્યે તેનો લાભ આપવામાં આવે છે. સિવિલ ખાતે યોજાયેલા કેમ્પ દરમિયાન ગુજરાત સ્ટેટ હજ કમિટિ સચિવ આઈ. એમ. ઘાંચી અને તેમની ટીમના ફીલ્ડ ટ્રેનર મોહમદ શાહરુખભાઈ મલેક, ઝુબેર મેમણ, આદિલભાઈ, મુઝમ્મિલભાઈ સહિતના મેમ્બર હાજર રહ્યાં હતા.










