ગાંધીનગરમાં મંત્રી નિવાસ્થાને છેલ્લા એક સપ્તાહમાં બે મંત્રીના ઘરે અત્યંત ઝેરી સાપ નિકળ્યા હતા. જોકે, આ સાપ કોઇને હાની પહોંચાડે તે પુર્વે રેસ્ક્યુ કરીને તેને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યા હતા. બંને મંત્રીઓના ઘરે ઝેરી સર્પો નિકળ્યા હતા. તેમાંપણ વનમંત્રી અર્જુન મોઢવડિયાને ત્યાં નાગ પાંચમના દિવસે નાગ નીકળ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મિડીયા પર પણ જોવા મળ્યો હતો.
જે બે મંત્રીના નિવાસ્થાને સાપ નિકળ્યા હતા તેમાં કૃષિમંત્રી જીતુ વાઘાણી તથા ફોરેસ્ટ અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના સરકારી નિવાસ્થાનનો સમાવેશ થાય છે. કૃષિમંત્રી જીતુ વાઘાણીના મંત્રી નિવાસ્થાને આવેલા બંગલા નંબર-5 ખાતે સાપ હોવાની જાણ થતા સર્પપ્રેમી અમિત ગોંડ સ્થળ પર દોડી ગયા હતા. અહિ એક સાપ જોવા મળ્યો હતો. જે પ્રાથમિક તપાસમાં કાળોતરો ( કોમન ક્રેટ) હોવાનું જણાયુ હતું. આ સાપને રેસ્ક્યુ કરીને બંગલાથી દુર જંગલ વિસ્તારમાં સહિસલામત છોડી દેવામાં આવ્યો હતો. જોકે, આ સમયે મંત્રી નિવાસ્થાને હાજર નહતા. જ્યારે અન્ય એક બનાવ નાગપંચમીના દિવસે બન્યો હતો. આ દિવસે મંત્રી નિવાસ્થાને આવેલા ફોરેસ્ટ અને એન્વાયરમેન્ટ મંત્રી અર્જુન મોઢવાડિયાને સાપના દર્શન થયા હતા. આથી તેઓએ સાપનો ફોટો વિડિયો ઉતારી પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર આજે નાગપંચમીના પાવન અવસરે ગાંધીનગર સ્થિત નિવાસ્થાને નાગ દેવતાના દર્શન થયાનું લખાણ સાથે વિડિયો અપલોડ કર્યો હતો. આ અંગેનો કોલ મળતા જ સર્પપ્રેમી બાદર પરમાર સ્થળ પર દોડી ગયા હતા અને સાપને રેસ્ક્યુ કરીને તેને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો. આ સાપ કોબ્રા હોવાનું જણાયુ હતું. ઉલ્લેખનીય છેકે,બંને મિત્રીઓના નિવાસ્થાને જે પ્રજાતિના સાપ નિકળ્યા હતા તે અત્યંત ઝેરી કેટેગરીમાં આવે છે. તેનો એક ડંખ પણ માણસનો જીવ લેવા માટે પુરતો છે.
