ગાંધીનગર જીએમઈઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલમાં સંપૂર્ણ સુરક્ષા કેન્દ્રના નવા રૂમનો પ્રારંભ કરાયો છે. સિવિલના તબીબી અધિકારીઓના હસ્તે માઇક્રોબાયોલોજી વિભાગના સ્ટાફ્, એ.આર.ટી. સ્ટાફ્, વિઝન સી.એસ.સી. સ્ટાફ્ અને એસ.ટી.આઈ. સ્ટાફ્ની ઉપસ્થિતિમાં લાભપાંચમના શુભ દિન નિમિત્તે આ સંપૂર્ણ સુરક્ષા કેન્દ્રના નવા રૂમનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ સેન્ટરનો મુખ્ય હેતુ ગાંધીનગર જિલ્લાના એટ-રિસ્ક પેશન્ટનું કાઉન્સેલિંગ તેમજ એચ.આઈ.વી. વિશે અવેરનેસ અને ટેસ્ટિંગ કરવાનો છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે 2022થી આ સેન્ટર કાર્યરત છે. સંપૂર્ણ સુરક્ષા કેન્દ્ર ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ કાર્યરત નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન દ્વારા શરૂ કરવામાં આવેલી વિશેષ આરોગ્ય પહેલ છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય જોખમ ધરાવતા લોકોને એક જ છત નીચે સંપૂર્ણ નિવારક આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે. હોસ્પિટલના ઈન્ટિગ્રેડેટ કાઉન્સેલિંગ એન્ડ ટેસ્ટિંગ સેન્ટર, એન્ટિ-રેટ્રોવાયરલ થેરાપી સેન્ટર અને ક્લિનિક્સના સંકલનમાં એક સ્થળે બધી કામગીરી થતાં દર્દીઓને દર્દીઓને અલગ-અલગ વિભાગોમાં ભટકવું નહીં પડે.
