ગાંધીનગર આરટીઓ સહિત રાજ્યભરની આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટના વેઈટિંગની સ્થિતિના નિવારણ માટે વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા મહત્વનો આદેશ કરાયો છે. જેમાં વેઈટિંગે પિરિયડ 30 દિવસથી વધુ થાય તો રજાના દિવસે પણ ટ્રેક ચાલુ રાખવા માટે કહેવાય છે. જેમાં વેઈટિંગની સ્થિતિના આધારે જે-તે કચેરીના જવાબદાર અધિકારીને જ નિર્ણય લઈને કામગીરી કરવા સ્પષ્ટ સૂચના અપાઈ હોવાનું કહેવાયું છે. ગાંધીનગર સહિત રાજ્યના ઘણી આરટીઓમાં એઆઈ આધારિક ટેસ્ટ ટ્રેક કાર્યરત છે. જેમાં પાસ કરતાં ફેઈલ થનારા અરજદારો વધારે હોય છે, જેની સીધી અસરથી રી-ટેસ્ટ માટેની અરજીઓ વધી ગઈ છે. આવી પરિસ્થિતિમાં અરજદારોને મુશ્કેલી ન પડે તે માટે આ નિર્ણય લેવાયો છે. દિવાળીના તહેવારોના મીની વેકેશન બાદ ગાંધીનગર સહિત રાજ્યભરની આરટીઓ કચેરીઓ ફરી ધમધમતી થઈ ગઈ છે. રજાઓ બાદ ડ્રાઈવિંગ ટેસ્ટ માટે અરજદારોના ધસારો રહેતો હોય છે. ગાંધીનગરમાં હાલ ડ્રાઈવિંગ ટેસ્ટ માટે 10 દિવસનું વેઈટિંગ ચાલી રહ્યું છે. જો આગામી દિવસોમાં ધસારો વધીને વેઈટિંગ 30 દિવસ સુધી પહોંચી જાય તો રજાના દિવસે પણ ટ્રેક ચાલુ રાખવામાં આવશે. ગાંધીનગર સહિતની રાજ્યભરની આરટીઓને વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા જ આ અંગે સૂચના અપાઈ હોવાની વિગતો છે. જેમાં વેઈટિંગ 30 દિવસ પહોંચે તો વડી કચેરીના સૂચનાની રાહ જોયા વગર જ રજાના દિવસોમાં ટ્રેક ચાલુ રાખવાનો રહેશે. જેમાં વેઈટિંગ વધતું લાગે તો પહેલાં સ્લોટ વધારીને છતાં વેઈટિંગ ન ઘટે તો રજાના દિવસે એપોઈન્ટમેન્ટો આપી કામગીરી કરવા સૂચના અપાઈ છે. નવા વર્ષથી લેવાયેલા આ નિર્ણયથી અરજદારોને સીધો ફાયદો થશે. દિવાળી પહેલાં પણ તંત્ર દ્વારા શનિ-રવિની રજામાં ટ્રેક ચાલુ રાખવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. તે સમયે અરજદારોનો જોઈએ તેવો પ્રતિસાદ ન મળતા વધારે ટેસ્ટ થયા ન હતા. જોકે દિવાળીની નજીકનો સમય હોવાને પગલે અરજદારોનો વધારે પ્રતિસાદ મળ્યો ન હોવાની વાત છે. ત્યારે હવે જો દિવાળીની રજાઓ બાદ વેઈટિંગમાં વધારો થશે તો ફરી એકવાર તંત્ર દ્વારા રજાઓના દિવસે ટ્રેક ચાલુ રખાશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો