ગાંધીનગર સેક્ટર-4માં પતિએ પ્રેમિકા સાથે મળીને પ્રેમમાં આડખલીરૂપ પત્નીનું કાસળ કાઢી નાખ્યુ હતું. પ્રારંભમાં પતિ અને તેના પરિવારજનોએ સમગ્ર ઘટનાને નેચરલ ડેથમાં ખપાવવાનો પ્રસાય કર્યો હતો. જોકે, મહિલાના ગળા પર ઇજાના નિશાને તેઓના કરતુતનો ભાંડો ફોડયો હતો. આ મામલે મૃતક મહિલના પિતરાઇએ પોતાના જીજાજી તથા તેની પ્રેમિકા સામે હત્યાનો ગુનો દાખલ કરાવ્યો હતો. સાંપ્રત સમાજને હચમચાવતી ઘટના સેક્ટર-4 એમાં બની છે. અહિ રહેતા રોહિતજી રમેશજી ઠાકોરે પ્રેમિકા વર્ષા પારગી સાથે મળીને પત્નીની હત્યા કરી હતી. રોહિત ઠાકોર મુળ વિરમગાના ઓગણ ગામનો વતની છે. તેના લગ્ન વર્ષ 2012માં વિરમગાના શિયાળ ગામની સંગીતા સાથે થયા હતા. લગ્ન બાદ રોહિત ઠાકોર સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરવા માટે ગાંધીનગર આવ્યો હતો. તે સેક્ટર-22 માં આવેલ મોગલ લાયબ્રેરીમાં વાંચવા માટે જતો હતો. જ્યાં તેની ઓળખાણ વર્ષા નારસિંગ પારગી (રહે. ગઢરા, ફતેપુરા, જી. દાહોદ) સાથે થઇ હતી. વર્ષા પણ અહિ વાંચવા માટે આવતી હતી. બંને વચ્ચે આંખ મળી જતા પ્રેમના અંકુર ફુટયા હતા. ત્યારબાદ બંનેએ એકબીજા સાથે રહેવાના કોલ આપ્યા હતા. આથી રોહિતે સે.4 એમાં ભાડાના મકાનમાં પ્રેમિકા વર્ષા પારગી સાથે રહેવાનું ચાલુ કર્યુ હતું. તાજેતરમાં રોહિતની પત્ની બાળકો સાથે ગાંધીનગર આવી હતી. ત્યારે તેણે પતિ રોહીતને ફોન પર વર્ષા સાથે વાત કરતો હોવાની જાણ થઇ હતી. બંને વચ્ચે પ્રેમસબંધ હોવાનું જણાતા સંગીતાએ પતિ રોહિત સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડાની જાણ રોહિતે પ્રેમિકા વર્ષાને કરી હતી. બંનેએ એકબીજા સાથે રહેવાના કોલ આપ્યા હોય પ્રેમમાં અંધ બનેલા રોહિત અને વર્ષાએ આખરે સંગીતાનો કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યુ હતું.ગઇકાલે સવારે છ કલાકે સંગીતા પતિ સાથે સે.4 એના ઘરમાં હતી ત્યારે અગાઉથી પ્લાન કર્યા મુજબ રોહિત અને વર્ષાએ તેને હાથરૂમાલ વડે ગળે ટુંપો આપી સંગીતાની ઠંડા કલેજે હત્યા કરી હતી. ત્યારબાદ તેઓએ સંગીતાના મોતને નેચરલ ડેથમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.આ પુર્વે સંગીતાના સસરા અને દિયરને પણ આ મામલાની જાણ કરવામાં આવી હતી. સંગીતાના સસરાએ પુત્રવધુના પિતરાઇને ફોન કરીને સંગીતાને દવા અવળી પડી હોય તેની સ્થિતી ગંભીર હોય સારવાર માટે ગાંધીનગર સિવીલ હોસ્પિટલ લઇ જઇ રહ્યા હોવાનું જણાવી તેઓને પણ સિવીલ હોસ્પિટલ આવવા કહ્યુ હતું. કાંઇક અજુગતુબન્યુ હોવાની આશંકાથી સંગીતાના પિતરાઇ મેરૂભાઇ વાસણિયા ગાંધીનગર સિવીલ આવ્યા હતા. જ્યાં રોહિતે સંગીતાને ડોક્ટરે તપાસીને મૃત જાહેર કરી હોવાની વાત કરી હતી. જોકે, મેરૂભાઇએ સંગીતાની લાશ જોતા તેમના ગળા પર ઇજાના નિશાન હતા.આ મામલે તેણે રોહિત ઠાકોરને પુછતા તેણે અને પ્રેમિકા વર્ષાએ સંગીતાની હત્યા કરી હોવાની કબુલાત આપી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, રોહિત ઠાકોરને 14 વર્ષના લગ્નજીવન દરમિયાન ચાર સંતાનો છે. સંગીતાની હત્યાથી આ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી હતી. આ ઘટનાની જાણ થતા સે.7 પોલીસ સ્ટાફ પણ સ્થળ પર દોડી ગયો હતો અને બંનેને ગણતરીની કલાકમાં જ ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.
