દેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) માં નવી વ્યાપારિક તકોના સર્જન માટે લઘુ ઉદ્યોગ ભારતી (ગુજરાત પ્રદેશ) દ્વારા ગાંધીનગર એક્ઝિબિશન સેન્ટર ખાતે 15મા ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ ફેર -UDYAM2026 નું આયોજન કરાયું છે. ચાર દિવસીય ઔદ્યોગિક પ્રદર્શનનો શુભારંભ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો હતો. પ્રદર્શનના બીજા દિવસે આવતીકાલે 24 ઓક્ટોબરે બપોરે 3 વાગ્યે ગુજરાતની લાર્જેસ્ટ ઈનફ્લુએન્સર મીટનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં નવા વિચારો, નેટવર્કિંગ અને નવી વ્યાપારિક તકો અંગે ચર્ચા થશે. ઉદ્યોગો માટે કુશળ માનવબળ અને યુવાનો માટે રોજગારીની તકો પૂરી પાડવાના ઉદ્દેશથી પ્રદર્શનના અંતિમ દિવસે એટલે કે 26 ઓક્ટોબરે રોજગાર મેળો પણ યોજાશે. ચાર દિવસીય પ્રદર્શનમાં 500થી વધુ પ્રદર્શનકારો દ્વારા વિવિધ 12થી વધુ સેક્ટર્સમાં અત્યાધુનિક ટેક્નોલોજી, પ્રોડક્ટસનું પ્રદર્શન કર્યું છે. જેમાં એન્જિનિયરિંગ, મશીનરી, મેન્યુફેક્ચરિંગ, ઓટોમેશન, ટૂલિંગ, કાસ્ટિંગ અને સંરક્ષણ ક્ષેત્ર સહિતના વિવિધ ઉદ્યોગો પ્રદર્શનીમાં જોડાયા છે.
