ઘણી જગ્યાએ દૂધની જગ્યાએ વનસ્પતિ ફેટમાંથી બનતા ફ્રોઝન ડેઝર્ટને આઈસ્ક્રીમના નામે વેચવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. જેને લઈને સરકાર દ્વારા તપાસ હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. ઓપરેશન હેલ્થ હેઠળ આજે ગાંધીનગર કોર્પોરેશનની ફૂડ સેફ્ટીની ટીમ દ્વારા આજે સેક્ટર-16માં આવેલા રસીલો આઈસ્ક્રીમ, પંડયા આઈસ વર્લ્ડ અને તૃપ્તિ પાર્લર પર તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન દુકાનોમાં સ્વચ્છતા, લેબલિંગ, લાયસન્સ, સ્ટોરેજ તાપમાન અને ફ્રોઝન ડેઝર્ટ કે આઈસ્ક્રીમ અંગેની વિગતો ચકાસવામાં આવી હતી. નિયમભંગ જણાશે તો કડક કાર્યવાહી કરવાની પણ ચેતવણી તંત્ર દ્વારા આપવામાં આવી હતી.
બટર, પનીર, ચીઝ બાદ હવે આઈસ્ક્રીમને લઈને લોકોની સાથે છળકપટ થવા લાગ્યું છે. આઈસ્ક્રીમ જેવું જ પરંતુ વેજીટેબલ ફેટનો ઉપયોગ કરીને બનાવાતા ફ્રોઝન ડેઝર્ટ ઘણી જગ્યાએ આઈસ્ક્રીમની જગ્યાએ પીરસવામાં આવી રહ્યું છે. સ્વાદ-રંગરૂપ તમામમાં બિલકુલ આઈસ્ક્રીમ જેવો જ દેખાય છે. પરંતુ તે આઈસ્ક્રીમ બિલકુલ નથી. પામ ઓઈલનો ઉપયોગ કરાતો હોય છે. આથી લોકોને જાગૃત કરવા રાજ્ય સરકાર એક્શનમાં આવી છે.
