સોના-ચાંદીના ઘટેલા ભાવ વચ્ચે આજે ધનતેરસના દિવસે ગાંધીનગરમાં સોના-ચાંદીના બજારમાં ચમક જોવા મળી હતી. જેમાં એક અંદાજ મુજબ જિલ્લામાં આવેલી જ્વેલર્સની 550 થી વધુ દુકાનો ઉપરથી આજે લોકોએ 10 કરોડની ખરીદી કરી હતી. જેને પગલે જિલ્લાના જ્વેલર્સની ધનતેરસ ફળી હતી. ઘટેલા ભાવ સાથે દિવાળી બાદ લગ્નની સિઝન આવતી હોવાને પગલે પણ ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. ધનતેરસના દિવસે માન્યતા અનુસાર સોના-ચાંદી, વાહનો, વાસણ, સાવરણી, આખી હળદર, ધાણા સહિતની વસ્તુઓની ખરીદીની પરંપરા છે. ત્યારે દિવાળીના પર્વને લઈને બજારમાં ખરીદીના માહોલ વચ્ચે આજે જ્વેલર્સની દુકાનો ઉપર પણ ભીડ જોવા મળી હતી. જેમાં લોકોએ પોતાની જરૂરિયાત મુજબ સોના-ચાંદીના દાગીના, સિક્કી, લગડી, ચાંદીના વાસણ, મૂર્તિ સહિતની ખરીદી કરી હતી. આજે થયેલી ખરીદીનો અંદાજ આપતા ગાંધીનગર જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જિગ્નેશભાઈ સોનીએ જણાવ્યું હતું કે, સોના-ચાંદીના ઘટેલા ભાવોને પગલે આજે લોકો સારી એવી ખરીદી કરી હતી. ગાંધીનગર જિલ્લામાં આવેલી 550 થી 600 જેટલી દુકાનોમાંથી અંદાજે સાડાનવથી 10 કરોડ જેટલી ખરીદી થઈ હોવાનો અંદાજ છે. ગાંધીનગરમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,46,500 જ્યારે ચાંદીનો ભાવ 1.90 લાખ રહ્યો હતો. ભારે તેજી બાદ ચાંદીના ભાવ ગત વર્ષ જેટલા આવી ગયા છે. સોના-ચાંદીના ઘટેલા ભાવ સાથે ખરીદીમાં વધારો થવાનું બીજુ કારણ આવી રહેલી લગ્નની સિઝન પણ છે. જેમાં લોકોએ ધનતેરસના શુભ મૂહૂતમાં જ લગ્નસરા માટે પણ ખરીદી કરી લીધી હતી.
