ગાંધીનગરના કરશનપુરા ટીંટોડામાં રહેતો યુવક સગીરાને લલચાવી ફોસલાવીને કલોલ પાસેના એક ગામમાં આવેલ ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં તેણે તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તે તેને શેરીસા કેનાલ ઉપર એકલી મુકીને ભાગી ગયો હતો. ત્યાં ત્રણ યુવકોએ પણ દુષ્કર્મ આચર્યું હતું. આ કેસ કલોલની પોક્સો કોર્ટમાં ચાલી જતા પોક્સો કોર્ટે આરોપીઓને જીવનના છેલ્લા શ્વાસ સુધી સખત કેદની સજા ફટકારી હતી.
ગાંધીનગર તાલુકાના કરશનપુરા ટીંટોડા ગામે રહેતો વિપુલ અમરતજી ઠાકોર એક સગીરાને લલચાવીને તેના બાઈક ઉપર કલોલ તાલુકાના સઈજ ગામે રહેતા તેના મિત્રના ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં તેણે રાત્રિના સગીરા ઉપર દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપી બાઈકમાં શેરીસા કેનાલ ઉપર લઈ ગયો હતો. કેનાલ ઉપર સગીરાને ઉતારીને તે નાસી ગયો હતો. સગીરા શેરીસા કેનાલ ઉપર એકલી ઉભી હતી ત્યારે બાઈક ઉપર પાંચ છોકરાઓ આવ્યા હતા. તેમાંથી અરવિંદજી મેલાજી ઠાકોર (રહે. કાનજીવાસ શેરીસા), બળદેવજી ઉર્ફે પપ્પુ ઉર્ફે ભાણો રમણજી ઠાકોર (રહે. કાનજી વાસ શેરીસા) સગીરાને કેનાલ નજીક નેળીયામાં લઈ જઈ તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. સગીરા યેનકેન પ્રકારે ઘરે પહોંચી હતી. તેણીએ સઘળી હકીકત પરિવારજનોને જણાવતા સગીરાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. બનાવ અંગે સાંતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. જેના આધારે કેસ કલોલની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી રહ્યો હતો. ભોગ બનનારને તમામ આરોપીઓએ તેના ભોળપણનો લાભ લઈ તેની સાથે હેવાનીયતભર્યું કૃત્ય આચરેલ છે. જયારે કોઈપણ સ્ત્રી પર આવું હેવાનિયતભર્યું કૃત્ય આચરવામાં આવે ત્યારે તે સ્ત્રી તથા તેના માટે બાકીનું જીવન દુસ્વપ્ન સમાન બની રહે છે. જેથી હાલના આરોપીઓને સમાજમાં દાખલો બેસે તેમજ ભવિષ્યમાં કોઈ આરોપી આ પ્રકારનું કૃત્ય કરતા વિચારે તે પ્રમાણે દાખલારૂપ મહત્તમ સજા કરવા દલીલ કરી હતી. જેના આધારે કોર્ટે પુરાવાઓ વગેરેને ધ્યાને લઈને ત્રણેય આરોપીઓને છેલ્લા શ્વાસ સુધી સખત કેદની સજા ભોગવવા હુકમ કર્યો હતો. દરેકને રૂ.50,000નો દંડ કરવામાં આવ્યો હતો. તેમજ સગીરાને ડી.એલ.એસ. એ મુજબ વળતર પેટે રૂ. 5,00,000 આપવા માટે હુકમ કર્યો હતો.










