ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા સે-11માં કેસરિયા ગરબા-નવરાત 2026નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાચીન પોળ સંસ્કૃતિની ઝાંખી કરાવતી હેરિટેજ થીમ સાથે ગ્રાઉન્ડ તૈયાર કરાયું છે. 12000 ખેલૈયાઓ ગરબે ઝૂમી શકે તેવું ડસ્ટ ફ્રી મેદાન, 15000 પ્રેક્ષકો માટે બેસવાની સુવિધા, 1 લાખ ચોરસ વારમાં વિશાળ પાર્કિગની સુવિધા રહેશે. આઠમા નોરતે 51000 દિવડાથી વિશિષ્ટ આકૃતિના નિર્માણ સાથે દિવ્ય મહાઆરતી યોજાશે. આ અંગે માહિતી આપતા સહાય ફાઉન્ડેશનના પ્રમુખ જીગરભાઈ પટેલે જણાવ્યું હતું કે, આપણા અમદાવાદને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટીનું બિરુદ પ્રાપ્ત થયેલું છે. ત્યારે આ વર્ષે કેસરિયા ગરબામાં આપણી પ્રાચીન પોળ સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતી હેરિટેજ થીમ સાથે સે-11 રામકથા મેદાનમાં આયોજન કરવામાં આવ્યું છે. દશેરાએ કેસરિયા ગરબા મહોત્સવ સ્થળ પાસે રાવણદહનનો કાર્યક્રમ પણ યોજાશે. ટેકનોલોજીના માધ્યમના ઉપયોગ થકી કેસરિયા ગરબામાં ડિજિટલ પાસ એન્ટ્રી શરૂ કરવામાં આવનાર છે. કેસરિયા ગરબામાં પાણી અને ખાદ્ય પદાર્થોનું બજાર ભાવે વેચાણ કરવામાં આવશે. રેડક્રોસ સોસાયટી અને સહાય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તમામ દિવસે રક્તદાન કેમ્પ યોજાશે. મુક બધિર બાળકો, સ્પેશિયલ ચિલ્ડ્રન હોમના બાળકો, દિવ્યાંગો તેમજ વૃદ્ધાશ્રમના વૃદ્ધોને સંલગ્ન સંસ્થાઓને તબક્કાવાર રીતે આમંત્રિત કરાશે. ગરબા મહોત્સવ સ્થળે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા રહેશે તેમજ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ સ્ટેન્ડ બાય મોડ પર રહેશે. હેડ કાઉન્ટ ટેક્નોલોજી અને સીસીટીવી કેમેરા દ્વારા સર્વેલન્સ રખાશે તેમજ ખાનગી સિક્યોરિટી અને પોલીસના જવાનો પણ ખડેપગે રહેશે.