હાલમાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી રાજકીય પક્ષોમાં એમનેમ વિધાનસભા ચૂંટણીનો 'લિટમસ ટેસ્ટ' નથી કહેવાતી! ગુજરાતમાંથી ચૂંટાઈને લોકસભા અને વિધાનસભામાં પહોંચેલા 70 ટકા સાંસદો-ધારાસભ્યો પાલિકા કે પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ એક સમયે ઘાટલોડિયા નગરપાલિકાના પ્રમુખ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા! આથી, ભાજપ હોય કે કોંગ્રેસ,આ બંને રાજકીય પક્ષોમાં વિધાનસભા કે લોકસભામાં પહોંચવા અને સરકાર સંચાલન કરવા માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને જાહેર વહીવટની 'પાઠશાળા' તરીકે જોવામાં આવે છે.


સ્વતંત્રતા બાદ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા. ભારતમાં સૌથી પહેલા પંચાયતી રાજનો અમલ પણ ગુજરાતમાં થયો છે. આથી, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જાહેર વહીવટ, નાગરિક સુખાકારી સેવાઓનું આયોજન,દૂરંદેશી અને અમલવારીના શિક્ષણ માટેનું પહેલું પગથિયું ગણાય છે.15મી ગુજરાત વિધાનસભામાં 181માંથી 126 ધારાસભ્યોની પૃષ્ઠભૂમિ ગ્રામ પંચાયત,તાલુકા-જિલ્લા પંચાયત કે નગરપાલિકા-મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેલિગેટ, કાઉન્સિલર કે કોર્પોરેટર તરીકેની રહી છે. તે પહેલાની વિધાનસભાઓમાં ધારાસભ્ય રહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,પૂર્વ મંત્રીઓ વજુભાઈ વાળા, પરસોત્તમ રૂપાલા,કૌશિક પટેલ અને કોંગ્રેસની સરકારોમાં રહેલા પદાધિકારીઓ પણ પાલિકા-પંચાયતમાં પ્રમુખ કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહીને જાહેર વહીવટના કક્કા-બારાખડી શીખીને આવ્યા હતા.

વર્તમાન15મી વિધાનસભામાં 126થી વધારે ધારાસભ્યો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંથી આવે છે. જેમાં ચાર પૂર્વ મેયર - ગાંધીનગરના રીટાબહેન પટેલ, રાજકોટના ઉદય કાનગડ, અમદાવાદના અમિત શાહ અને વડોદરાના કેયુર રોકડિયાનો સમાવેશ થાય છે. કેબિનેટ મંત્રી રમણ સોલંકી આણંદ જિલ્લા પંચાયતમાં ડેલિગેટ અને રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેટર રહી ચૂક્યા છે. એટલું જ નહીં, લોકસભાના સાંસદ અને કોંગ્રેસ નેતા ગેનીબહેન ઠાકોર પણ પાલિકા પ્રમુખ હતા. 12થી વધુ ધારાસભ્યો અને સાંસદોએ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી છે.

લોકસભા અને વિધાનસભામાં બેઠકો વધતા મહિલાઓને ફયદો

ગુજરાતમાં વર્ષ 2010થી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 50ટકા બેઠકો મહિલાઓ માટે અનામત છે. વીતેલા 15વર્ષમાં ત્રણ ટર્મમાં અનેક મહિલા જનપ્રતિનિધિઓને પ્રતિનિધિત્વ અને પદાધિકારી રૂપે તકો ઉપલબ્ધ થઈ છે. આગામી સમયમાં જ્યારે લોકસભા-વિધાનસભામાં 33 ટકા મહિલા અનામતનો અમલ થશે, ત્યારે પાલિકા-પંચાયતમાં જાહેર વહીવટ અને જનપ્રતિનિધિત્વ કરનારી મહિલા આગેવાનોને મોટાપાયે લાભ થશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: