ગાંધીનગરના ડભોડા ખાતે આવેલા 1000 વર્ષ પૌરાણિક અને ચમત્કારીક શ્રીડભોડીયા હનુમાનજી મંદિર ખાતે ધનતેરસ તથા કાળી ચૌદસના બે દિવસના મેળામાં અંદાજીત 8થી 10 લાખ શ્રધ્ધાળુઓનુ ઘોડાપુર ઉમટયુ હતુઅને દાદાના દર્શન કરી પાવન થયા હતા. ડભોડીયા હનુમાનજી દાદાને ધનતેરસ કાળી ચૌદસના બે દિવસ દરમિયાન 18 થી 20 હજાર લીટર તેલના ડબાનો મહાઅભિષેક કરાયો હોવાની વિગતો છે. અસંખ્ય લોકોએ તેલ ચઢાવીને માનતાઓ પુરી કરી હતી. રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા,અમદાવાદ,મહેસાણા, કપડવંજ,ખેડા, સાણંદ , અરવ લ્લી, રાજકોટ, સૌરાષ્ટ્ર,કચ્છ ,કાઠીયાવાડ સહીતના જીલ્લાઓમાં ચોક્કસ ભક્તો અને દાતાઓ ડભોડીયા હનુમાનજીને તેલનો અભિષેક કરવા અને દર્શને ઉમટી પડયા હતા. આજે મોડી સાંજ સુધી મંદિરમાં 1200 થી 1300 તેલના ડબાનો સ્ટોક ચઢાવામાં આવ્યો હોવાની પ્રાથમિક વિગતો છે. ધનતેરસની રાત્રે લાખો ભક્તો મહાઆરતીમાં હૈયેહૈયુ દળાય એટલી માત્રામાં ભક્તો ઉમટયા હતા. મંદિર તરફ જતા તમામ માર્ગો પર ભરચક ભીડ જોવા મળી હતી. પાંચ હજાર કિલોથી વધુ બુંદીના પ્રસાદ પેકેટનુ મંદિરના સેવાકેન્દ્રો પરથી નિઃ શુલ્ક વિતરણ કરાયુ હતુ. હજારોની માત્રામાં કાળા દોરા તથા સિધ્ધ કરેલા માદળીયા માટે મંદિરના વિતરણ કેન્દ્ર પર લાંબી લાઇનો થઇ ગઇ હતી. રાજ્યમાં તેમજ વિદેશમાં વસતા ગુજરાતીઓમા ડભોડા હનુમાનજી દાદાનુ ભારે મહત્વ છે. સતત 48 કલાકથી મંદિરમાં દાદાએ ભક્તોને દર્શન આપ્યા હતા. મંદિર પરીસરમા રાત્રે પગ મુકવાની પણ જગ્યા મળી નહોતી તેમજ રાત્રે બાર વાગ્યે વીવીઆઇપીઓનો પણ દર્સન કરવાં માટે મેળાવડો હતો. મંદિરના માર્ગો પર ઠેર ઠેર નાસ્તા અને ખાણીપીણીના વેપારીઓની દુકાનો લાગી હતી. એક અંદાજ મુજબ બે હજારથી વધુ નાના મોટા વેપારીઓ જીલ્લાભરમાંથી ડભોડા મેળા માં ઉમટી પડયા હતા અને ધંધો રોજગાર લગાવ્યો હતો. મેડીકલ તથા પાણીની વ્યવસ્થાઓ કરાઇ હતી. મંદિર પ્રશાસન દ્વારા 50 થી પણ વધુ ફરી રીક્ષા સેવાથી સેંકડો ભક્તોને મંદિર સુધી લઇ જવાના આયોજનથી સેંકડો ભક્તોને ભારે રાહત થઇ હતી જેને લોકોએ વખાણી હતી. આકાશમાં ડ્રોન લાઇટીંગ શોની રોશનીના કાર્યક્રમ તથા લોકડાયરાએ રમઝટ બોલાવી હતી. દેશ વિદેશમાં વસતા ભક્તોએ પણ સોશિયલ મીડીયા થકી જીવંત પ્રસારણની આરતી ને નિહાળી ધન્ય બન્યા હતા. મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ સમસ્ત ગ્રામજનો, યુવાનો તથા પોલીસ દ્વારા બે દિવસના મેળામાં રાત દિવસ ભારે જહેમત ઉઠાવીને સફળ આયોજન કરાયુ હતુ.
