ગાંધીનગનરના કુડાસણમાંથી એક શખસે માલવાહક રીક્ષા ભાડે કરી રીક્ષામાં દવાઓના બોક્સ ભરાવીને રફુચક્કર થઇ ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ સમગ્ર ઘટનામાં માલવાહક રીક્ષા ચાલક ફસાયો છે. શખસે તેની રીક્ષામાં દવાઓના બોક્સ લોડ કરાવ્યા બાદ તેને તેના ગોડાઉન પાસે ઉભા રહેવાનુ કહીને ફરાર થઇ ગયો હતો. રીક્ષામાં લોડ કરેલા બોક્સ અંગે રીક્ષા ચાલકે ફોન કરતા આ શખસે હાલ તુંરત તારા ગોડાઉનમાં બોક્સ ઉતારી દે પછી તને સરનામું કહુ છુ કહીને હાથ ઉંચા કરી દેતા રીક્ષા ચાલક ગભરાઇ ગયો હતો. તેણે આખરે આ મામલે ઇન્ફોસીટી પોલીસમાં આ ઘટના અંગે જાણ કરી છે.

બનાવ 20 દિવસ પુર્વેનો છે. રાંદેસણમાં ભંગારના વેપાર સાથે સંકળાયેલા અને સાથે માલવાહક રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા ગેરુરામ ગુજ્જર પોતાના ભંગારના ડેલા ખાતે બેઠા હતા ત્યારે એક શખસ તેઓની પાસે આવ્યો હતો. આ શખસે કુડાસણ ખાતેના એક ફ્લેટમાંથી કેટલોક સામાન અન્ય જગ્યાએ લઇ જઇ ફેરો કરવાનું કહ્યુ હતું. આથી ગેરૂરામે 500 રૂ. ભાડુ કહ્યુ હતું. આ શખસ તૈયાર થયો હતો. તે ગેરૂરામને ફ્લેટ પર લઇ ગયો હતો. જ્યાં ફ્લેટમાં કેટલાક બોક્સ પડયા હતા. બોક્સ વધુ હોવાથી ગેરૂરામે ભાડુ વધારીને એક હજાર કર્યુ હતું. આ ભાડાની રકમ આપવા આ શખ્સ તૈયાર થયો હતો. આથી ગેરૂરામે ફ્લેટમાંથી બોક્સ ઉતારીને પોતાની માલવાહક રીક્ષામાં લોડ કર્યા હતા. અંદાજીત 40 જેટલા બોક્સ હતા. રીક્ષામાં બોક્સ લોડ કર્યા બાદ ગેરૂરામે આ બોક્સ ક્યાં પહોંચાડવાના છે તેનું સરનામું માંગ્યુ હતું. આથી આ શખસે ગેરૂરામને તેના ભંગારના ડેલા પાસે ઉભા રહેવાનું અને પોતે થોડીવારમાં ત્યાં આવે છે કહીને ગેરૂરામને બોક્સ સાથે રવાના કર્યો હતો. ગેરૂરામ પોતાના ભંગારના ડેલા પાસે પહોંચ્યો હતો. થોડીવાર રાહ જોયા બાદ પણ આ શખસ આવ્યો નહતો. આથી ગેરૂરામે ફોન કર્યો હતો. આ શખસે ફોન રીસીવ કરીને પોતે થોડીવારમાં પહોંચે છે તેવી વાત કરી હતી. રાહ જોયા બાદ પણ તે ડોકાયો ન હતો. આથી ગેરૂરામે તેને ફરી વખત ફોન કરતા આ શખસે કોઇ બહાનું બતાવીને હાલ તુંરત આ બોક્સ તેના ગોડાઉનમાં રાખ પછી સરનામું કહુ છુ કહીને ફોન કટ્ટ કરી નાખ્યો હતો. રાત સુધી આ શખસ નહી દેખાતા ગેરૂરામ મુંઝાયો હતો. તેણે બોક્સ રીક્ષામાંથી ઉતારીને પોતાના ડેલામાં રાખ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે પણ ફોન કરતા આ શખસે ફોન ઉપાડયો નહતો. વારંવાર ફોન કરવા છતા તે ફોન ઉપાડતો નહતો. જ્યારે ફોન ઉપાડે ત્યારે આ શખસ તેને ગાળો દેતો હતો. આથી ગેરૂરામ ગભરાઇ ગયો હતો. તે ડરીને પોતાના વતન ભાગી ગયો હતો. આ ઘટનાને 20 દિવસ જેટલો સમય થયો છતા આ શખસ બોક્સ લેવા નહી આવતા ગેરૂરામે બોક્સ તપાસતા 40 જેટલા બોક્સ હોવાનું જણાયુ હતું. અંદર તપાસ કરતા કેટલીક દવાની ટેબલેટ , શીરપ સહિતનો જથ્થો હોવાનું જણાયુ હતું. આથી તે ચોંકી ઉઠયો હતો. કેટલાક બોક્સની ઉપર દવાનો જથ્થો એક્સપાયરી ડેટ વિતાવી ચુક્યો હોવાનું જણાયુ હતું. પોતે ફસાયો હોવાનું જણાતા આખરે તેણે આ મામલે ઇન્ફોસિટી પોલીસમાં ઉપરોક્ત બનાવ સંદર્ભે જાણ કરતા આ મામલે પોલીસે તપાસનો દોર સંભાળ્યો છે.