કલોલ તાલુકાના બિલેશ્વરપુરા ગામે આવેલ કંપનીની કેન્ટીંગમાં કામ કરતા કામદારે તેની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકાને લઈને સાથી કર્મચારીની લોખંડના દસ્તાના માથામાં ઘા મારીને હત્યા કરી દીધી હતી. જે અંગેનો કેસ કલોલની કોર્ટમાં ચાલી જતા કલોલના ચોથા એડીશનલ સેશન્સ જજ દ્વારા આરોપીને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા અને રૂપિયા એક લાખનો દંડ કર્યો હતો.

બિલેશ્વરપુરા ગામે આવેલ રાજરત્ન મેટલ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપનીની કેન્ટીંગમાં કામ કરતા શ્યામજી ઉર્ફે પંડા મહેશપ્રસાદ માલી (ઉ.વ. 28) (મુળ રહે. ઉત્તરપ્રદેશ ચિત્રકુટ જીલ્લામાં આવેલા હનુમાન ગંજ રાજાપુર ગામ) એ તેના સાથી કર્મચારી મુકેશ દેવપાલ કેવટ (રહે. કયુટરા મહોલ્લા બાલાઘાટ રાજાપુર ચિત્રકુટ, ઉત્તર પ્રદેશ) ની લોખંડના દસ્તાના ઘા માથાના ભાગે મારીને હત્યા કરી હતી. આ બંને જણા કંપનીની કેન્ટિંગમાં સાથે કામ કરતા હતા. આરોપી શ્યામજી વતનમાં તેની પત્નીને ફોન કરતો હતો. ત્યારે તેની પત્નીનો ફોન એન્ગેજ આવતો હતો. અને બીજી તરફ મુકેશ દેવપાલ કેવટનો ફોન પણ એન્ગેજ આવતો હતો. જેથી તેને મુકેશ દેવપાલ કેવટના તેની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા ગઈ હતી. તે બાબતે બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. તે વખતે શ્યામજી મહેશએ કેન્ટીંનના રસોઈયાને વાત કરેલ કે મુકેશને મારી પત્ની સાથે આડા સબંધ છે અને તે ફોન ઉપર વાત કરે છે. હું જયારે મારી પત્નીને ફોન ઉપર વાત કરવા સારૂં ફોન કરતો હોઉ ત્યારે તેનો ફોન એન્ગેજ આવતો હોય છે. આ મુકેશ તેના ફોન ઉપર વાતચીત કરે છે. તેવી વાત કરતા રસોઈયા એ મુકેશનો ફોન લઈ શ્યામજીને ચેક કરવા આપ્યો હતો. પરંતુ શ્યામજીની પત્નીનો નંબર તેના ફોનમાં હતો નહી તેમ છતાં તેને મુકેશ ઉપર વહેમ હોય તેણે કેન્ટીંનમાં તેની હત્યા કરી હતી. હત્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. જે અંગેનો ગુનો કલોલ તાલુકા પોલીસ મથકમાં દાખલ થયો હતો. જેના આધારે કલોલ તાલુકા પોલીસ મથકના પી.આઈ. યુ.એસ. પટેલ અને તેમની ટીમના પી.એસ.આઈ. મહિપતસિંહ વાઘેલા દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં એલ.સી.બી.ની ટીમ પણ જોડાઈ હતી. ત્યારે પી.એસ.આઈ. મહિપતસિંહ વાઘેલાને આરોપી શ્યામજી ઉર્ફે પંડા ને સુરત રેલવે સ્ટેશન ઉપરથી ઝડપી લીધો હતો. ત્યારબાદ પોલીસ મથકના વિજયસિંહ તથા અલ્પેશભાઈ અને જનકજી દ્વારા તપાસ કરવામાં આવી હતી. અને આરોપી વિરુદ્ધ જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. તેનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કેસ કલોલના ચોથા એડીશનલ સેશન્સ જજ બી.આર. રાજપૂત સમક્ષ ચાલી રહ્યો હતો. જેમાં કોર્ટે સરકારી વકીલ જીગ્નેશ એચ. જોશી ની ધારદાર દલીલો અને પુરાવાઓ વગેરેને ધ્યાને લઈને પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે ચુકાદાની શરૂઆત સંસ્કૃતના શ્લોકથી કરી હતી. કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. અને રૂપિયા એક લાખનો દંડ કર્યો હતો.