માણસામાં ખાનગી ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા બાલવા ગામના યુવાનની પ્રાંતિજ પંથકમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ યુવાનની લાશ પ્રાંતિજના લીમકા તળાવ પાસેથી મળી આવી હતી. યુવાન પર ગળા અને પેટના ભાગે છરા જેવા તિક્ષ્ણ હથિયારના ઘાના નિશાન મળી આવ્યા હતા. સ્થળ પરથી લોહિના ડાઘા સાથેની કાર પણ મળી આવી હતી. આ કારમાં જ યુવાનનું ઢીમઢાળીને તેની લાશને તળાવ પાસે ફેંકી હત્યારાઓ ફરાર થઇ ગયા હતા. પોલીસે આ મામલે હત્યારાઓને ઝડપી લેવા તજવીજ હાથધરી છે.

મૃતકની ઓળખ ભરત કાન્તીભાઇ ચૌધરી (ઉવ, 42) તરીકે થઇ છે. તે મુળ માણસા તાલુકાના બાલવા ગામનો રહિશ હતો. પ્રાપ્ત વિગતો મુજબ, ભરત ચૌધરી માણસા ખાતે આવેલ IIFL નામની ફાઇનાન્સ બેંકમાં મેનેજર હતો. ગઇકાલે મોડીસાંજથી ભરત ચૌધરી ગુમ થયો હતો. તેની લાશ પ્રાંતિજ તાલુકાના લીમલા ગામે આવેલ તળાવમાંથી મળી આવી હતી. ઘટનાની જાણ થતા પ્રાંતિજ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. મૃતકના ગળા અને પેટના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મળી આવ્યા હતા. નજીકથી એક કાર નંબર જીજે.27.બી.એસ.9166 મળી આવી હતી. કારના બોનેટ અને અંદરના ભાગે પણ લોહિના નિશાન જોવા મળ્યા હતા. જેથી હત્યા કારની અંદર જ થઇ હોવાનું પોલીસનું અનુમાન છે. હત્યા બાદ ભરત ચૌધરીની લાશને તળાવમાં ફેંકીને હત્યારાઓ ફરાર થઇ ગયા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે સ્થળ પરથી મળી આવેલી કાર ભરત ચૌધરી ચલાવી રહ્યો હતો. તેને દગો આપીને પાછળથી પ્રથમ ગળાના ભાગે છરાનો ઘા ઝીંકવામાં આવ્યો હતો. જે રીતે કારની સીટ અને બોનેટ પરથી લોહિના નિશાન મળી આવ્યા છે તે જોતા આ હુમલા બાદ તેણે કારનો દરવાજો ખોલીને ભાગવાનો પ્રયાસ કર્યો હોવો જોઇએ. જોકે, પ્રથમ પ્રહારથી જ ઘાયલ થયેલા ભરત ચૌધરી પોતાનો જીવ બચાવી શક્યો નહતો. હત્યારાઓએ તેના પેટના ભાગે પણ છરા જેવા હથિયારથી પણ ઘા ઝીંક્યા હતા. હત્યા બાદ લાશને ઠેકાણે પાડવાનો પ્લાન હતો. કારને લિમકા ગામે લઇ જવામાં આવી હતી.આ વિસ્તારમાં સાબરમતી નદીના કોતરો આવેલા છે. અતરિયાળ સ્થળે લાશનો નિકાલ કરવાનો હત્યારાઓએ પ્રયાસ કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, કારમાંથી પોલીસને મૃતક ભરત ચૌધરીના મોબાઇલની સાથે અન્ય એક મોબાઇલ પણ મળી આવ્યો હતો. જેમાં તેણે છેલ્લે એક યુવતી સાથે વાત થઇ હોવાનું મનાઇ રહ્યુ છે. સ્થળ પરથી મળી આવેલી કાર પોલીસ માટે હત્યારાઓ સુધી પહોંચવાની એક મહત્વપુર્ણ કડી સાબિત થશે. આ કાર ભરત ચૌધરીની નથી. જેના કારણે જેણે હત્યા કરી હોય તે શખસની આ કાર હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ભરત ચૌધરી ઉપરોક્ત કારમાં તેના માણસા ખાતે રહેતા એક મિત્ર સાથે ગયો હોવાની ચર્ચા છે. ભરત ચૌધરી અને તેના મિત્રની સાથે એક યુવતી પણ હોવાની શક્યતા છે. જોકે, આ મામલે હજુસુધી કોઇ સત્તાવાર સમર્થન મળતુ નથી. પોલીસે હત્યારાઓની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે માણસાથી બનાવ સ્થળ સુધીના સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવવાની તજવીજ હાથધરી છે. હત્યા પાછળ હજુસુધી કોઇ ચોક્કસ કારણ બહાર આવ્યુ નથી. પોલીસ પ્રેમપ્રકરણ, વેરઝેર, અદાવત સહિતની અલગ અલગ થિયરી પર તપાસ હાથધરી છે. આ મામલે આજરોજ પ્રાંતિજ પોલીસ મથકમાં બીએનએસ કલમ 103 (1) તથા અન્ય કલમો હેઠળ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પીઆઇ ડી.આર. પઢેરીયાએ જણાવ્યુ હતુ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો