ગુજરાત સરકારના મંત્રી, કલેક્ટર, પોલીસ અધિકારીઓ બજળજબરીથી ખેડૂતોના ખેતરમાં કંપનીની લાઈનો નખાવી રહ્યા છે, ખેતરોમાં વીજ કંપનીઓ હાઈટેન્શન લાઈનો નાખી રહી છે, સરકારની આયોજન વગરની નીતિના કારણે ખેડૂતો આજે હેરાન પરેશાન થઈ રહ્યા છે, ખેડૂતોના સળગતા પ્રશ્નોને લઈ 15મી જૂને કિસાન કોંગ્રેસ, કિસાન સંઘર્ષ સમિતિએ ખેડૂત સત્યાગ્રહ ટ્રેક્ટર રેલીના નામે ગાંધીનગર કૂચનું એલાન કર્યું છે, જેમાં સવારે 11 વાગ્યેથી શાંતિપુરા સર્કલથી કૂચ કરીને ગાંધીનગર ખાતે 1,111 ટ્રેક્ટરો સાથે એકઠા થશે.
ખેડૂત સત્યાગ્રહ રેલીમાં ગુજરાતના વિવિધ ખેડૂત સંગઠનો પણ જોડાવાના છે, તેવો દાવો કરાઈ રહ્યો છે, ખેડૂતોને ન્યાય મળે, જમીનનું પૂરતું વળતર મળે તેવી માગણી કરવામાં આવી છે. 15મી જુને ટ્રેક્ટર માર્ચ ગાંધીનગર પહોંચશે અને સરકાર સમક્ષ ખેડૂતોની માગણી રજૂ કરશે. ખેડૂતોના હિતને નુકસાન ન થાય તેવા પ્રકારની નીતિ સરકારે બનાવવી જોઈએ, ખેતરોમાં લાઈન નખાવાના કારણે જમીનના ભાવ મળતાં નથી. ખેડૂત સંગઠનો એવી પણ માગણી કરશે કે ગુજરાતના 56 લાખ ખેડૂતો પરના 96 હજાર કરોડના દેવા માફ કરવા જોઈએ, ખેડૂતોના દેવા માફીની માગણી લાંબા સમયથી ઊભી છે, પરંતુ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવાતો નથી. અન્ય રાજ્યોની જેમ ખેતી માટે વિના મૂલ્યે વીજળી, જમીન માપણી અને કાપણી બંધ કરવા, ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ પૂરતા પ્રમાણમાં વાજબી ભાવે મળી રહે તે માટેની વ્યવસ્થા પણ તંત્રે કરવી જોઈએ તેવી માગ કરાશે.










