દિવાળીના તહેવારોમાં ફાયર વિભાગની ટીમને એલર્ટ રહેવા અને ઈમરજન્સીના કિસ્સામાં તુરત જ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવા મેયર રૂપસિંગ ઠાકોરે સૂચના આપી હતી. તાજેતરમાં મેયરે દિવાળીને તહેવારોને અનુલક્ષીને ફાયર વિભાગની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ - જવાનો સાથે સંવાદ કર્યો હતો. દિવાળીમાં તહેવારોમાં આગજની કે દુર્ઘટનાની સંભાવના રહે છે. તેને લઈને ફાયર વિભાગની તૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા મેયર દ્વારા કરવામાં આવી હતી. તહેવારો દરમિયાર શહેર અને શહેરીજનો સુરક્ષિત રહે તે માટે અધકારીઓ અને જવાનોને એલર્ટ મોડ પર રહેવા અનુરોધ કર્યો હતો. ઈમરજન્સીના કોઈપણ કિસ્સામાં રેસ્ક્યુની કાર્યવાહી તુરત જ શરૂ થઈ જવી જોઈએ તેવું જણાવ્યું હતું. ગઈકાલે કેનાલમાં આપઘાતના ઈરાદે કૂદવા જઈ રહેલા યુવાનને બચાવવા જતા ત્રણ જવાનો ઘાયલ થયા હતા, છતાં તેઓએ હિંમત હાર્યા વગર પોતાની જાનની પરવા કર્યા વિના તે યુવાનને બચાવી લીધો હતો. મેયર રૂપસિંગ ઠાકોરે આ ત્રણેય જવાનોને મળી ખબરઅંતર પૂછયા હતા અને તેમની ફરજનિષ્ઠાને બિરદાવી હતી. ઘાયલ જવાનો ઝડપથી સાજા થાય તેવી શુભકામના પાઠવવા સાથે માનવતાવાદી કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો