ગાંધીનગરમાં પશુપાલન વિભાગ દ્વારા લાભાર્થી દીઠ 150 કિ.ગ્રા. ખાણદાણ લેખે 3,096 લાભાર્થીઓને 4,64,400 કિ.ગ્રા. ખાણદાણનું નિઃશુલ્ક વિતરણ શરૂ કરાયું છે. જેમાં અત્યાર સુધી મોટા ભાગના લાભાર્થીઓને ખાણદાણનું વિતરણ કરવામાં કરી દેવાયું છે અને ફેબ્રુઆરી મહિનાના અંત સુધી બાકી રહેલા તમામ લાભાર્થીઓને ખાણદાણ વિતરણ કરી દેવામાં આવનાર છે.
પશુપાલન વિભાગ દ્વારા રાજ્યના પશુપાલકોના પશુના વિયાણ બાદ ખાણદાણ સહાય યોજના અમલમાં છે. ગાંધીનગર જિલ્લામાં યોજના અંતર્ગત સામાન્ય અને અનુસૂચિત જાતિના મળી કુલ 3096 લાભાર્થીઓની અરજીઓ મંજૂર કરવામાં આવેલ હતી. પશુપાલન વિભાગ દ્વારા રાજ્ય સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર મે મહિનામાં પશુપાલક લાભાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. તે અંતર્ગત ગાંધીનગરમાં સામાન્ય જાતિના 2988 અને અનુસૂચિત જાતિના 108 લાભાર્થીઓ મળી કુલ 3096 લાભાર્થીઓની અરજીઓ મંજૂર કરેલ હતી. આ યોજના હેઠળ જિલ્લાના 3096 લાભાર્થી દીઠ 150 કિ.ગ્રા. ખાણદાણ આપવા જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા સહાયની જાહેરાત થઈ હતી. સરકાર દ્વારા ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનને ખાણદાણની વિતરણની કામગીરી સોંપાઈ હતી. જેમાં ગાંધીનગર જિલ્લામાં ગાંધીનગર, કલોલ અને માણસા તાલુકામાં મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ અને દહેગામ તાલુકામાં અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘને લાભાર્થી દિઠ 150 કિ.ગ્રા ખાણદાણનુ વિતરણ કરવા લાભાર્થી યાદી મોકલી અપાઈ હતી. યોજના અંતર્ગત જિલ્લાના 3096 લાભાર્થીઓને અંદાજીત 1.23 કરોડથી વધુની કિંમતનું ખાણદાણનું લાભાર્થી પશુપાલકોને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.










