રાજ્યમાં ચાલી રહેલા ભારતમાલા પ્રોજેક્ટ સામે વિરોધ યથાવત રહ્યો છે.ગાંધીનગર જિલ્લામાં પ્રોજેક્ટથી અસરગ્રસ્ત થયેલા ખેડૂતોએ પોતાના હક અને યોગ્ય વળતર માટે ઉગ્ર રજૂઆત કરી છે.ખેડૂતોએ આક્ષેપ કર્યો કે જમીન અધિગ્રહણ પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ છે અને વળતર બજાર કિંમતની સરખામણીમાં ઓછું છે. આ મુદ્દે આજે મોટી સંખ્યામાં ખેડૂતોએ અમદાવાદ ખાતે આવેલા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના કાર્યાલય બહાર પ્રદર્શન કર્યું હતું.
યોગ્ય વળતર અને ન્યાયની માંગ કરવામાં આવી
પ્રદર્શન દરમિયાન ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર કરી યોગ્ય વળતર અને ન્યાયની માંગ કરવામાં આવી હતી.ખેડૂતોના પ્રતિનિધિઓએ અધિકારીઓને આવેદનપત્ર સોંપ્યું હતું,જેમાં જમીનનું ફરીથી મૂલ્યાંકન કરવા,યોગ્ય બજાર દર મુજબ વળતર ચૂકવવા અને અસરગ્રસ્ત પરિવારોને પુનર્વસન પેકેજ આપવા માંગ કરવામાં આવી છે.ખેડૂતોનું કહેવું છે કે તેમની જીવનજરૂરી આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી છે અને જમીન ગુમાવ્યા બાદ તેઓ આર્થિક સંકટમાં મુકાઈ શકે છે.ભારતમાલા પ્રોજેક્ટ દેશવ્યાપી માર્ગ વિકાસ યોજના તરીકે અમલમાં છે,પરંતુ રાજ્યમાં જમીન અધિગ્રહણ મુદ્દે વધતા વિરોધને કારણે પ્રશ્નો ઉઠી રહ્યા છે.













