ગુજરાતની રાજધાની ગાંધીનગરના સેક્ટર 24 વિસ્તારમાં કથિત 'લવ જેહાદ'ની ચોંકાવનારી ઘટના સામે આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. એક વિધર્મી યુવકે પોતાની અસલી ઓળખ છુપાવી, હિન્દુ નામ ધારણ કરી એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક સંગઠનો અને રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

નામ બદલીને વિધર્મી યુવકે સગીરાને ફસાવી

આરોપી યુવકે 'સાહિલ દેસાઈ' નામ ધારણ કરીને સગીરા સાથે મિત્રતા કેળવી હતી અને તેને પ્રેમની જાળમાં ફસાવી હતી. આરોપ છે કે છેલ્લા 6 મહિનાથી તે સગીરાનું શારીરિક અને માનસિક શોષણ કરી રહ્યો હતો. જ્યારે સગીરા અને પરિવારને યુવકની સાચી ઓળખની જાણ થઈ, ત્યારે સમગ્ર મામલો બિચક્યો હતો. બજરંગ દળના કાર્યકરોને આ બાબતની જાણ થતા તેમણે સતર્કતા વાપરી યુવકને દબોચી લીધો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.

પોલીસે વિધર્મી યુવકની અટકાયત કરી

ગાંધીનગર પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે વિધર્મી યુવકની અટકાયત કરી છે. પોલીસે સગીરા અને તેના પરિવારની ફરિયાદના આધારે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સેક્ટર 24 સહિતના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. હાલમાં પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે કે તેણે અન્ય કોઈ યુવતીઓને પણ આ પ્રકારે નિશાન બનાવી છે કે કેમ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો