મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે રાજ્યના વહીવટી તંત્રને વધુ આધુનિક અને નાગરિક-કેન્દ્રી બનાવવાના ઉદ્દેશ્ય સાથે 'સુગમ ડિજિટલ ગુજરાત' પહેલનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ GARC (Gujarat Administrative Reforms Commission)ના પાંચમા અહેવાલની ભલામણોને આધારે, રાજ્યના 5 મુખ્ય વિભાગોની 20 હાઈ-ટ્રાન્ઝેક્શન સેવાઓનું ઓનલાઈન સરલીકરણ જાહેર કર્યું હતું. આ પહેલ દ્વારા હવે આવક-જ્ઞાતિના દાખલા, રેશનકાર્ડ અને સોગંદનામા જેવી પાયાની સેવાઓ 'ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ' બનશે.
સરકાર જે કાર્યો કરે છે તે લોકો સુધી પહોંચે છે
મુખ્યમંત્રીએ 'સુગમ ડિજિટલ ગુજરાત' અનાવરણ કાર્યક્રમ અંતર્ગત જણાવ્યું હતું કે,આપણે ઘણા બધા કાર્યક્રમો કરતા હોઈએ છીએ, અને કાર્યક્રમ એક એવું માધ્યમ છે, જેના દ્વારા સરકાર જે કાર્યો કરે છે તે લોકો સુધી પહોંચે છે. એટલું જ નહીં, પણ જે કાર્ય કર્યું છે એમાં કોઈ રહી ન જાય અને પ્રેસના માધ્યમથી તે માહિતી ઘરે-ઘરે પહોંચે તો, જે નાગરિકો સરકારી યોજનાઓને પાત્ર હોય, તેઓ તેનો પૂરો લાભ લઈ શકે એવો સરકારનો હંમેશા પ્રયત્ન હોય છે. તમામ લોકોને ઘરે બેઠા સુવિધા મળે તે માટે ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ સેવાઓ પૂરી પાડવા ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. આ ડિજિટલ પ્રક્રિયામાં જો નાગરિકોને ક્યાંય પણ મુશ્કેલી જણાય, તો તેના નિવારણને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવે છે.
ત્યારે તેનું પરિણામ અદભૂત આવે છે
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ તમામ સેવાઓ ઓનલાઇન કેવી રીતે મળે છે, તેનો આપણે સૌ જેટલો પ્રચાર અને પ્રસાર કરીશું એટલો જ પ્રજાને અને તંત્રને ફાયદો થશે. તમે જે નોકરી કે સેવાનું કાર્ય કરો છો, તેનો મુખ્ય ઉદ્દેશ્ય એક જ દિશામાં હોવો જોઈએ કે પ્રજાજનોના કામ સરળ થાય. આપણા મનમાં એ જ લક્ષ્ય હોવું જોઈએ કે જેટલી સરળતાથી લોકોનું કામ થાય એટલો આપણને સંતોષ મળે.જ્યારે પ્રજાના પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ તમામ સ્તરે સાથે મળીને એકજ દિશામાં કામ કરે છે, ત્યારે તેનું પરિણામ અદભૂત આવે છે. ગુજરાતમાં આપણે સૌએ જોયું છે કે, ગમે તેવી પરિસ્થિતિ હોય, જો આપણે સાથે મળીને કામ કર્યું છે તો તેના સચોટ પરિણામો મળ્યા છે.
પ્રજાનો સાથ હંમેશા મળતો રહ્યો છે
વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે,જ્યારે વડાપ્રધાને ડિજિટલ પેમેન્ટની વાત કરી હતી, ત્યારે ઘણા બધા લોકોને એવું લાગતું હતું કે, આ કેવી રીતે શક્ય બનશે? પરંતુ આજે આખા દેશમાં સૌથી વધુ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ સામાન્ય અને નાના માણસો કરી રહ્યા છે. આમાં પ્રજાનો પણ મોટો સહકાર મળ્યો છે. જ્યારે સરકાર સમસ્યાઓના સમાધાન માટે આગળ વધતી હોય, ત્યારે પ્રજાનો સાથ હંમેશા મળતો રહ્યો છે. આજે 20 સેવાઓ ઓનલાઇન કરી છે અને ભવિષ્યમાં પણ આ ક્ષેત્રે ધ્યાન આપી નાગરિકો માટે વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવા સરકાર તત્પર છે. આ માટે ડિજીટલ લોકરની પણ શરુઆત થઈ રહી છે. ટેકનોલોજીના આ ઉપયોગનો લાભ જન-જન સુધી પહોંચે તે માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે.
આ પણ વાંચોઃ Gandhinagar News: આજે વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી UCC બિલ રજૂ કરશે