મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ ૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ ગાંધીનગરમાં કરાવ્યો હતો. હાઇ-ટેક ચિપ નિર્માતાઓ અને સ્થાનિક ઉદ્યોગ વચ્ચે વ્યૂહાત્મક સહયોગને પ્રોત્સાહન આપવા "ગુજરાત –ઈન્ડિયાઝ ગેટવે ટુ સિલિકોન" થીમ સાથે રાજ્ય સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગના ઉપક્રમે આ દ્વિદિવસીય કોન્ફરન્સ યોજાઈ છે.
રાજ્યના સરકારના પ્રોએક્ટિવ અભિગમની વિસ્તૃત ભૂમિકા આપી
આ કોન્ફરન્સમાં સહભાગી થવા આવેલા વિવિધ ઉદ્યોગ અગ્રણીઓની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે યોજાયેલી વન ટુ વન બેઠકમાં તેમણે સેમિકોન સેક્ટરમાં R&D સેન્ટર, મેમરી મોડ્યુલ ફેસેલિટી, પાવરચિપ ઉત્પાદન અને સ્પેશિયાલિટી કેમિકલ ફેસેલિટીઝ શરૂ કરવા માટેના ફળદાયી ચર્ચા-પરામર્શ કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ધોલેરા અને સાણંદ સહિત સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ માટેની સુદ્રઢ ઇકોસિસ્ટમ અને રાજ્યના સરકારના પ્રોએક્ટિવ અભિગમની વિસ્તૃત ભૂમિકા આપી હતી.
