રાજ્યના શહેરી વિસ્તારોના ગરીબોને મળ્યું સપનાંનું ઘર, 9.09 લાખથી વધુ આવાસોનું નિર્માણ થયું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રઢપણે એવું માને છે કે, શહેરી વિકાસ એ ફક્ત માળખાકીય વિકાસ નથી, પરંતુ દરેક નાગરિકના જીવનસ્તરને ઊંચે લઈ જવાનો માર્ગ છે. આ ધ્યેયને સાર્થક કરતાં તેમણે વર્ષ 2015માં શહેરી વિસ્તારના ગરીબોને ઘરનું ઘર અપાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ની શરૂઆત કરી હતી. વડાપ્રધાને આ યોજના હેઠળ અનેક લોકોને આવાસની સુવિધા પૂરી પાડીને તેમના ચહેરા પર સ્મિત લાવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ રાજ્યમાં 9.09 લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય સંપન્ન થયું છે, જે એક નોંધપાત્ર સિદ્ધિ છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના અમલીકરણમાં અગ્રેસર ગુજરાત
ગુજરાત પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર રાજ્ય છે. PMAY (શહેરી)ના ક્રેડિટ લિંક સબસીડી ઘટક હેઠળ 6 લાખથી પણ વધુ લાભાર્થીઓને તેમના પ્રથમ આવાસ પર લીધેલ લોન પર વ્યાજ સહાયનો લાભ અપાવવામાં ગુજરાત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રસ્થાને છે. આ ઉપરાંત, કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2020માં આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સિસ (ARHCs) યોજના હેઠળ શહેરી ગરીબો અને કામદારોને સસ્તા ભાડાના આવાસો પૂરા પાડવા માટે જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત થયાના ત્રણ જ માસમાં ગુજરાતના સુરત શહેરના સુડા વિસ્તારમાં નિર્માણ થયેલ 393 આવાસોને મોડેલ-01 અંતર્ગત ભાડાના મકાનોમાં રૂપાંતરિત કરીને પ્રોજેક્ટની મંજૂરી મેળવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી – ઇન્ડિયાના લાઇટ હાઉસ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર ભારતમાંથી 6 રાજ્યોની પસંદગી કરવામાં આવી હતી, જેમાંથી ગુજરાત રાજ્યના રાજકોટ શહેરની પસંદગી કરવામાં આવી હતી. રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત મોનોલિથિક કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને EWS-2 પ્રકારના 39.77 ચોરસ મીટર કાર્પેટ એરિયા ધરાવતા કુલ 1144 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) માટે ગુજરાતને અત્યારસુધીમાં કુલ 14 એવોર્ડ
વર્ષ 2017માં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને ક્રેડિટ લિંક સબસીડી હેઠળ પ્રથમ સ્થાન એનાયત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2019માં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને પીએમ આવાસ માટે 3 એવોર્ડ આપવામાં આવ્યા હતા, તેમજ BLC ઘટક અંતર્ગત ગુજરાત રાજ્યના 3 લાભાર્થીઓને બેસ્ટ હાઉસ કન્સ્ટ્રકશન કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ, વર્ષ 2022માં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) માટે 7 વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આમ, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ગુજરાતને અત્યારસુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ 14 એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ની સફળતાના પરિણામે સપ્ટેમ્બર 2024થી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 હાઉસિંગ ફોર ઓલ મિશનની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ભારતભરમાં આગામી 5 વર્ષમાં (2024–2029) 1 કરોડ પાકાં ઘરો બાંધવાની યોજના છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 અંતર્ગત અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ (AHP), બેનિફિશ્યરી લેડ કંસ્ટ્રક્શન (BLC), ઈન્ટરસ્ટ સબસિડી સ્કીમ (ISS), એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ (ARH) ઘટક હેઠળ વ્યક્તિ લાભ લઈ શકે છે. યોજના અંતર્ગત રાજ્યમાં કુલ 29,821 જેટલા આવાસો મંજૂર કરવામાં આવ્યા છે.
6,00,932 આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત વર્ષ 2016-17થી વર્ષ 2024-25 સુધીમાં ભારત સરકાર દ્વારા 8,43,168 આવાસનો લક્ષ્યાંક મળ્યો છે, તે પૈકી કુલ 6,00,932 આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત વર્ષ 2025-26માં સ્પીલ ઓવર આવાસો 2,78,533ના લક્ષ્યાંક સામે 01 એપ્રિલ 2025થી 20 ઓગસ્ટ 2025 સુધીમાં 39,092 આવાસો પૂર્ણ કરવામાં આવ્યા છે. જ્યારે 2,39,441 આવાસો પ્રગતિ હેઠળ છે, જે આગામી માર્ચ-2026 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. નાણાકીય વર્ષ 2016-17થી 20 ઓગસ્ટ 2025 સુધીમાં આ યોજના હેઠળ ₹8936.55 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
34,759 લાભાર્થીઓને ₹173.80 કરોડની સહાયનો લાભ આપવામાં આવ્યો છે
નાણાકીય વર્ષ 2025-26થી પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત લાભાર્થીઓ પૈકી વર્ષ 2024-25ના લક્ષ્યાંક મુજબ તેમજ ભવિષ્યમાં મળનાર લક્ષ્યાંક મુજબના લાભાર્થીઓને આવાસ બાંધકામમાં વધુ મદદરૂપ થવાના ઉમદા ઉદ્દેશથી 100 ટકા રાજ્ય ફાળા અંતર્ગત આવાસના બાંધકામ માટે રૂફ-કાસ્ટ લેવલે રાજ્ય સરકાર દ્વારા ₹50,000ની વધારાની સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 34,759 લાભાર્થીઓને ₹173.80 કરોડની સહાયનો લાભ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Banaskantha News : ડીસાના ડાવસ ખાતે 13 એકર વિસ્તારમાં રૂ.3.5 કરોડના ખર્ચે બનશે રાજયની પ્રથમ હાઇટેક નર્સરી