રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે લોકભવન, ગાંધીનગર ખાતે ઉત્તરપ્રદેશ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા અને અસમ રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજયપાલે વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
ભારત હંમેશા સમગ્ર વિશ્વના કલ્યાણની પ્રાર્થના કરનારો દેશ રહ્યો છે
રાજ્યપાલે આ તકે પ્રસ્તુત થયેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રશંસા કરતા કહ્યું કે, ગુજરાતમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને અહીં વસતા નાગરિકોએ જે કલાનું પ્રદર્શન કર્યું છે તે ભારતની એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમણે ભારતીય સંસ્કૃતિના પાયાના મૂલ્યો 'વસુધૈવ કુટુંબકમ' અને 'સર્વે ભવન્તુ સુખિનઃ'નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ભારત હંમેશા સમગ્ર વિશ્વના કલ્યાણની પ્રાર્થના કરનારો દેશ રહ્યો છે. રાજ્યપાલે ઉમેર્યું કે, આ કાર્યક્રમ માત્ર એક સાંસ્કૃતિક ઉજવણી જ નહીં પરંતુ એક શક્તિશાળી સંદેશ પણ છે કે એકતા એ રાષ્ટ્રની સૌથી મોટી શક્તિ છે.
'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા માટે સૌને સહયોગી થવા આહવાન કર્યું
રાજ્યપાલે કહ્યું કે, છેલ્લા ૧૧ વર્ષમાં ભારતે માળખાગત સુવિધાઓમાં ક્રાંતિ કરી છે. વંદે ભારત જેવી આધુનિક ટ્રેનો અને રેલ્વે સ્ટેશનોનું નવીનીકરણ ભારતની નવી ઓળખ બની છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા ૮ વર્ષમાં ૨૫ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે, જે ભારતના આર્થિક ઉત્થાનનો પુરાવો છે. રાજ્યપાલે સૌને આહવાન કર્યું કે, આપણે રાષ્ટ્ર નિર્મિત વસ્તુઓનો ઉપયોગ કરીએ અને ભારતના કૌશલ્યને વિશ્વ સમક્ષ લાવીએ. તેમણે 'આત્મનિર્ભર ભારત' અને 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા માટે સૌને સહયોગી થવા આહવાન કર્યું હતું.
ગુજરાતને પોતાનું ઘર બનાવીને રહેતા વિભિન્ન રાજ્યોના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે ઉત્તરપ્રદેશના શહેરી વિકાસ અને ઉર્જા મંત્રી એ. કે. શર્માએ તેમના સંબોધનમાં ગુજરાત અને ઉત્તર પ્રદેશ વચ્ચેના વિકાસના સંબંધો અને પ્રધાનશ્રીમંત્રીના વિઝન વિશે વાત કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં સૌએ અસમ અને મણિપુર રાજ્યના રાજયપાલશ્રીઓના વીડિયો સંદેશ નિહાળ્યા હતા. વિભિન્ન રાજ્યોના સંગઠનોના પ્રતિનિધિઓએ રાજયપાલનું સન્માન કર્યું હતું. "એક ભારત શ્રેષ્ઠ ભારત" ની ભાવનાને મૂર્તિમંત કરતી કૃતિઓના મનમોહક પ્રદર્શન રજૂ કરવામાં આવતા હતા. આ કાર્યક્રમમાં બાપુનગરના ધારાસભ્ય દીનેશસિંહ કુશવાહા, લોકભવનના અગ્ર સચિવ અશોક શર્મા, વડોદરાના અધિક મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ ધીરેન્દ્રસિંહ રાજપૂત, ગુજરાત હાઈકોર્ટના નિવૃત ન્યાયાધીશ રવિ ત્રિપાઠી, વિવિધ રાજ્યોના અગ્રણીઓ, વરિષ્ઠ અધિકારીઓ, સુરક્ષાદળો તેમજ ગુજરાતને પોતાનું ઘર બનાવીને રહેતા વિભિન્ન રાજ્યોના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : Botad News : પાટણ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં આદર્શ શૈક્ષણિક સંકુલ, બોટાદની DLSS ખેલાડીઓનું પ્રભાવશાળી પ્રદર્શન