ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે,રાજ્ય સરકારની ઉદ્યોગ સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતી નીતિઓના પરિણામે ગુજરાતને નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં પાંચમી વખત બેસ્ટ પરફોર્મર સ્ટેટનો દરજ્જો મળ્યો છે.આ એવોર્ડ વર્ષ ૨૦૨૪માં સ્ટાર્ટઅપ ક્ષેત્રે રાજ્ય સરકારે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ એનાયત કરવામાં આવ્યો છે.
ગુજરાત બેસ્ટ પરફોર્મર સ્ટેટ બન્યું
આ અગાઉ પણ ગુજરાતને ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ (DPIIT), ભારત સરકાર દ્વારા આયોજિત સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં વર્ષ ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૨ માટે એમ કુલ ચાર વાર “બેસ્ટ પરફોર્મર સ્ટેટ” તરીકે માન્યતા પ્રાપ્ત થઈ છે. આજે એ જ અનુક્રમને જાળવી રાખતા ગુજરાતે ફરી એકવાર વર્ષ ૨૦૨૪ના ‘બેસ્ટ પરફોર્મર સ્ટેટ’ તરીકેની માન્યતા પ્રાપ્ત કરી છે. ગુજરાતની આ સિદ્ધિ બદલ મુખ્યમંત્રી સહિત સમગ્ર કેબિનેટે આજે રાજ્યના ઉદ્યોગ સાહસિકો તથા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.
સ્પર્ધાત્મક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના નિર્માણ
પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જ નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટઅપ્સને વેગ આપવા વિશેષ પહેલ કરીને રાજ્યમાં ‘સ્ટાર્ટઅપ પોલિસી’ અમલમાં મૂકી હતી. દેશના વડાપ્રધાન તરીકેનો પદભાર સંભાળ્યા બાદ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના નિર્માણ માટે મોદીએ ગુજરાતની જ તર્જ પર સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશનનો વર્ષ 2016માં પ્રારંભ કરાવ્યો હતો.આ મિશન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા યુવાઓના વિચારોને ઉદ્યોગોમાં પરિવર્તિત કરવા માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.
ગુજરાત ઔદ્યોગિક નીતિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત ઔદ્યોગિક નીતિ હેઠળ રાજ્ય સરકારે 430થી વધુ સ્ટાર્ટઅપ્સને અંદાજે રૂ.65 કરોડની નાણાકીય સહાય આપી છે. આજે ગુજરાતમાં ૧૬ હજારથી વધુ સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે. જેમાં 200થી વધુ ઇન્ક્યુબેટર્સ અને શૈક્ષણિક સંસ્થાઓ, 850થી વધુ મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સ તથા શહેરી-ગ્રામીણ વિસ્તારોમાં ૩૫૦થી વધુ પાયાના સ્ટાર્ટઅપ્સનો સમાવેશ થાય છે.આ ઉપરાંત નવા વિચારોને પ્રોડક્ટમાં રૂપાંતરિત કરવા માટે રાજ્યમાં 180થી વધુ ઇન્ક્યુબેટર્સ અને નોડલ સંસ્થાઓ પણ કાર્યરત છે.
રાજ્યના વિદ્યાર્થીઓમાં ઇનોવેશનને પ્રોત્સાહન
પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યના વિદ્યાર્થીઓમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે 'સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 (SSIP 2.0) હેઠળ 5 વર્ષ માટે રૂ.300 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.આ યોજના સ્કૂલથી લઈને યુનિવર્સિટી કક્ષાના વિદ્યાર્થીઓને આર્થિક મદદ પૂરી પાડશે. માત્ર અમદાવાદ કે ગાંધીનગર જ નહીં,પણ સુરત, વડોદરા, રાજકોટ અને જામનગર જેવા શહેરો પણ હવે સ્ટાર્ટઅપના મુખ્ય કેન્દ્રો બન્યા છે. રાજ્ય સરકાર આગામી સમયમાં અન્ય શહેરોમાં પણ નવા i-Hub કેન્દ્રો સ્થાપવાનું આયોજન કરી રહી છે.
આ પણ વાંચોઃ Gandhinagar News: સોમનાથના શૌર્ય અને સાંસ્કૃતિક ગૌરવનો સંદેશ દેશના ખૂણે ખૂણે પહોંચશે, એક વર્ષ સુધી ઉજવાશે સ્વાભિમાન પર્વ