કાળોકોશી તેમજ મોટી ચોટલી ડુબકી પ્રજાતિઓના પક્ષીઓ જોવા મળે છે
જ્યારે વઢવાણા વેટલેન્ડ વિસ્તારમાં વર્ષ ૨૦૨૪-૨૫માં યાયાવર પક્ષીઓની ૪૧ જાતિઓની અંદાજિત ૩૫,૯૩૨ સંખ્યા, વિવિધ પાંચ જાતિઓની અંદાજિત ૫,૧૪૭ તેમજ ૯૧ સ્થાનિક પક્ષીઓની અંદાજિત ૧૨,૯૨૧ સંખ્યા નોંધાઈ છે. જ્યારે કચ્છ વિસ્તારમાં વર્ષ ૨૦૨૫માં અંદાજે ૨,૫૬૪ પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા છે, જેના પરિણામે ગુજરાત ‘પક્ષી જીવન’ માટે ‘સ્વર્ગ’ તરીકે ઉભરી આવ્યું છે. જામનગરના ખિજડીયા પક્ષી અભયારણ્યમાં ૩૩૪ પ્રજાતિઓના અંદાજે ૩,૦૯,૦૬૨ પક્ષીઓ નોંધાયા છે. આ વિસ્તારમાં મુખ્યત્વે કાળી ડોક ઢોંક, ગાજ હંસ, પેણ, ફેંલમીગો, નકટો, લુહાર, ચેતવા, ગયણો, કિચડીયા પક્ષીઓ, ગડવાલ, સીસોટી બતક, ચમચો, કાજીયા, કબુત બગલો, મલાર્ડ, ભગતડુ, નીલજલ મુરધો, આઈબીસ, નાની મુરધાબી, કોટન ટીલ સર્પગ્રીવ, કિંગફિશર, કુંજ, કરકરા, પીળી ચાંચ ઢોંક, ગલ, ટન, પતરંગો, શીફટ્, ઈગલ, શકરો, કાઈટ, જળહળ, ટુકટુકીયો, પીળક, દુધરાજ, કાળોકોશી તેમજ મોટી ચોટલી ડુબકી પ્રજાતિઓના પક્ષીઓ જોવા મળે છે.
આ ઉપરાંત વસ્તી અંદાજ 2023મુજબ રાજ્યમાં રાષ્ટ્રીય પક્ષી મોરની વસ્તી 2.85 લાખથી વધુ નોંધાઈ છે
વર્ષ ૧૯૬૯માં જાહેર થયેલું નળ સરોવર પક્ષી અભયારણ્ય ૧૨૦.૮૨ ચો.કિ.મી. વિસ્તાર ધરાવે છે. જેને વર્ષ ૨૦૧૨માં રામસર સાઇટનો દરજ્જો પ્રાપ્ત થયો છે. નળ સરોવર પક્ષી અભયારણ્ય એ યાયાવર પક્ષીઓના સેન્ટ્રલ એશીયન ફલાયવેમાં આવે છે. તેના પરિણામે વિશ્વમાંથી યાયાવર પક્ષીઓ આવતા હોવાથી આ સરોવરમાં ૩૨૯ પ્રકારની પ્રજાતિઓ નોંધાઈ છે. ઉપરાંત નળ સરોવરમાં પેસેજ માઇગ્રેશન કરતા પક્ષીઓ પણ રોકાતા હોય છે. થોળ પક્ષી અભયારણ્યમાં ડૂબકીઓ, પેણ, કાજિયા, બગલા, બગલી અને પાનબગલી, ઢોંક, કાંકણસાર અને ચમચા, હંજ-સુરખાબ, બતક, હંસ, કુંજ, સંતાકૂકડી, આડ, જલમાંજર, કાદવકીચડ ખૂંદનારા, ધોમડો, વાબગલી, કલકલિયા, પીળકિયા, બાજ તેમજ નળ સરોવર પક્ષી અભયારણ્ય વિસ્તારમાં ડૂબકીઓ, પેલિકન્સ, બતક અને હંસ, સંતાકૂકડી, આડ, જલમાંજર, કાજિયા, બગલા, બગલી અને પાનબગલી, ઢોંક, કાંકણસાર અને ચમચા, હંજ-સુરખાબ, કુંજ, કાદવકીચડ ખૂંદનારા, ધોમડો, વાબગલી, કલકલિયા, પીળકિયા, અને બાજનો સમાવેશ થાય છે.
શિકારી જાતિમાં પાન પટ્ટાઈ (યુરેશિયન માર્શ હેરિયર)નો સમાવેશ થાય છે
વઢવાણા વેટલેન્ડ વિસ્તારમાં જોવા મળતા માઇગ્રેટરી બર્ડમાં ગાજ હંસ ( ગ્રે લેગ ગુઝ),રાજ હંસ (બાર હેડેડ ગુઝ), લાલ ચાંચ કારચીયા (રેડ ક્રેસ્ટેડ પોચર્ડ), કાબરી કરચીયા (ટફ્ટેડ ડક), ધોળી આંખ કારચીયા(વાઇટઆઇડ પોચર્ડ), સિંગપર (નોર્થન પિન ટેલ), નાની મુરઘાબી (કોમન ટીલ), ટીલીયા (રફ), નાની કાંકણસાર (ગ્લોસી આઇબીસ), રેસિડેન્શિયલ બર્ડમાં ભગવી સુરખાબ (રૂડી શેલ્ડક), નકટો (કોમ્બ ડક),નાનો કજીયો (લિટલ કોમોરન્ટ), નાની સિસોટી બતક (લેસર વિસલિંગ ટીલ ), નાની ધાનચીડી (પેડિફિલ્ડ પીપીટ ),ગિરજા (કોટન ટીલ), દુર્લભ જાતિઓમાં કાળી ડોક ઢોંક (બ્લેક નેક્ડ સ્ટોર્ક) તેમજ શિકારી જાતિમાં પાન પટ્ટાઈ (યુરેશિયન માર્શ હેરિયર)નો સમાવેશ થાય છે.
પક્ષીપ્રેમીઓએ કચ્છના 10 હજાર ચોરસ કિમી વિસ્તારનું ઝીણવટભર્યું સર્વેક્ષણ હાથ ધર્યું
‘પેસેજ માઇગ્રન્ટ’ ગણતરી એ ભારતની એક અગ્રણી સિટિઝન સાયન્સ પહેલ છે, જે વર્ષ ૨૦૨૨થી દર સપ્ટેમ્બરે મધ્ય અને પશ્ચિમ એશિયાથી આફ્રિકા તરફ જતા પ્રવાસી પક્ષીઓનો વૈજ્ઞાનિક સર્વે કરે છે. કચ્છ વિસ્તાર આ પક્ષીઓ માટે 'રિફ્યુઅલિંગ' સ્ટેશન તરીકે અત્યંત મહત્વનું છે, જ્યાં તેઓ અરબી સમુદ્ર ઓળંગતા પહેલા ચોમાસા પછી પેદા થતા જીવજંતુઓ ખાઈને ખોરાક સ્વરૂપે શક્તિ મેળવે છે. ગત વર્ષ તા. ૧૯થી ૨૧ સપ્ટેમ્બર-૨૦૨૫ દરમિયાન કચ્છમાં એસ્ટ્રલ ફાઉન્ડેશનના સહયોગથી, પ્રણિધિ ટ્રસ્ટે ગુજરાત વન વિભાગ અને બર્ડ કાઉન્ટ ઈન્ડિયા સાથે મળીને પેસેજ માઇગ્રન્ટ કાઉન્ટની ચોથી અને અત્યાર સુધીની સૌથી મોટી આવૃત્તિનું આયોજન કરાયું હતું, જેમાં ૧૭ રાજ્યોના ૨૦૦થી વધુ પક્ષી પ્રેમીઓએ ૫૧ ટીમોમાં જોડાઈને કચ્છના ૧૦ હજાર ચોરસ કિમી વિસ્તારનું ઝીણવટભર્યું સર્વેક્ષણ હાથ ધર્યું હતું.
600થી વધુ ચેકલિસ્ટમાં પક્ષીઓની 250થી વધુ પ્રજાતિઓ નોંધાઈ છે
ભુજમાં આયોજિત ઓરિએન્ટેશન સત્ર બાદ આ ટીમોએ રણ, બન્નીના મેદાનો, કાંટાળા જંગલો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ૨૫૦થી વધુ સર્વે ગ્રીડ આવરી લીધી હતી. eBird પ્લેટફોર્મના સહયોગથી તૈયાર થયેલા ૬૦૦થી વધુ ચેકલિસ્ટમાં પક્ષીઓની ૨૫૦થી વધુ પ્રજાતિઓ નોંધાઈ છે, જે આ પ્રદેશની પર્યાવરણીય વિવિધતા અને સંરક્ષણ માટેના મજબૂત આંકડા પૂરા પાડે છે. કચ્છ વિસ્તારમાં વર્ષ ૨૦૨૫માં પ્રવાસી પક્ષીઓની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો છે. જેમાં ૧,૫૭૭ યુરોપિયન રોલર અને ૩૧૩ સ્પોટેડ ફ્લાયકેચર નોંધાયા છે. આ સિવાય ૩૭૯ બ્લ્યુ ચેકડ બી ઈટર સહિત કોમન કુકો, Blue-cheeked Bee-eater, Rufous-tailed Scrub-Robin, Red-backed Shrike અને Red-tailed Shrike પ્રજાતિઓનો સમાવેશ થાય છે.
વન્યજીવ સંરક્ષણ-સંવર્ધન માટે વિવિધ પહેલ
રાજ્યમાં વર્ષ ૨૦૧૭થી દર વર્ષે વન વિભાગ અને વિવિધ સંસ્થાઓના સહયોગથી ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પક્ષીઓને સારવાર આપવા ‘કરૂણા અભિયાન’ હાથ ધરવામાં આવે છે જેમાં, પતંગની દોરી સહિત વિવિધ રીતે ઘાયલ હજારો પક્ષીઓને યોગ્ય સારવાર આપીને મુક્ત કરવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત વર્ષ ૨૦૨૫માં ઉતરાયણ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થયેલા અંદાજે ૧૭ હજારથી વધુ પક્ષીઓનું રેસ્ક્યુ કરીને તેમની સારવાર કરવામાં આવી હતી.
દર વર્ષે ૦૫ જાન્યુઆરીએ ગુજરાત સહિત ભારતભરમાં ‘રાષ્ટ્રીય પક્ષી દિવસ’ની વિવિધ સ્વરૂપે ઉજવણી કરવામાં આવે છે
આ દિવસે લુપ્ત થતા પક્ષીઓને બચાવવા નાગરિકો જાગૃત્ત થાય તે માટે દેશભરમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વન્યજીવો અને પક્ષીઓના સંરક્ષણ-સંવર્ધન માટે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે છે. જ્યારે શિયાળામાં યાયાવર પક્ષીઓ ગુજરાતની ભૂમિને હંગામી આશ્રયસ્થાન- ઘર બનાવે છે, જે ગુજરાતના નાગરિકો માટે ગૌરવની સમાન છે.
આ પણ વાંચો : Banaskantha News : વીજળીના ઝટકાથી પગ કપાયા, હવે વીજળી વેગે દોડતો થયો છે બનાસકાંઠાનો આ ગગદાસ, વાંચો Inside Story