ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી.બેઠકમાં મુખ્યમંત્રીએ કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે ખરીદીની પ્રગતિની સમીક્ષા કરી હતી.જે અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે ખૂબ જ ટૂંકા ગાળામાં બે અલગ ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યા હતા.
ખેડૂતોને અત્યાર સુધીમાં રૂ. ૫,૩૩૦ કરોડથી વધુ સહાય ચૂકવાઈ
આ બંને રાહત પેકેજ હેઠળ ખેડૂતોને સહાય આપવા માટે અત્યાર સુધીમાં ૨૩.૧૮ ખેડૂતોના કુલ રૂ. ૬૮૯૦.૯૮ કરોડના ઓનલાઇન બીલો તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી આજની સ્થિતિએ કુલ ૧૭.૯૨ લાખ ખેડૂતોને કુલ રૂ. ૫૩૩૦.૪૩ કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે.કમોસમી વરસાદની અણધારી આફતમાં ખેડૂતોને સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે રેકોર્ડ બ્રેક સમયમાં રૂ.૧૧ હજાર કરોડથી વધુ મૂલ્ય બે ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યા હતા.જે અંતર્ગત સહાય મેળવવા માટે રાજ્યના કુલ ૩૦.૭૧ લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી છે. જેમાં આજદિન સુધીમાં તબક્કાવાર કાર્યવાહી કરી કુલ ૨૬.૬૦ લાખથી વધુ અરજીઓ મંજૂર કરવામાં આવી છે.










