મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે જૂનાગઢ ખાતે યોજાઈ રહેલા 'મીની કુંભ' મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સલામત અને સુલભ મુસાફરી માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સુયોગ્ય આયોજન કરવામાં આવ્યું છે.રાજ્યના ખૂણે-ખૂણેથી આવતા યાત્રિકોને પરિવહનમાં કોઈ અગવડ ન પડે તે માટે આ વર્ષે કુલ 1000 બસોનું સંચાલન કરવામાં આવશે.મેળા દરમિયાન જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લા જેવા જેમાં નજીકના જિલ્લાઓમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે ૩૩૦ બસોનું સંચાલન કરવામાં આવ્યું છે.
દિવ્યાંગો માટે ખાસ વ્હિલચેરની વ્યવસ્થા કરવામાં આવી
અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર, કચ્છ, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદ જેવા અન્ય જિલ્લાઓમાંથી આવતા યાત્રિકો માટે નિગમ દ્વારા વધારાની ૫૦૦ બસોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જરૂર પડે તો વધારાની ૭૫ બસોને સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવી છે. યાત્રિકોની સુવિધા માટે જૂનાગઢ બસ સ્ટેશનથી વાઘેશ્વરી મંદિર સુધી મુસાફરોની અવરજવર માટે ૮૫ મીની બસો ફાળવવામાં આવી છે. આ ઉપરાંત, કર્મચારીઓ માટે ૧૩ મીની બસ અને 'ડમરુ યાત્રા' માટે ૧૪ મીની બસો ફાળવવામાં આવી હતી.દિવ્યાંગ અને સિનિયર સિટીઝન માટે જૂનાગઢ બસ સ્ટેન્ડથી વાઘેશ્વરી મંદિર સુધી બસની સુવિધા તેમજ વાઘેશ્વરી મંદિરથી ભવનાથ મેળામાં જવા માટે ઓટો રિક્ષા અને દિવ્યાંગો માટે ખાસ વ્હિલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે.













