ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા પોલીસ કર્મીઓના પટ્ટા ઉતરાવી દેવાના નિવેદનનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં પોલીસ પરિવાર દ્વારા આ નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો છે. પોલીસ પરિવારની મહિલાઓ દ્વારા ઠેર ઠેર રેલી કરીને સુત્રોચ્ચાર સાથે આવેદન પત્ર આપ્યું હતું. બીજી તરફ જીજ્ઞેશ મેવાણી માફી નહીં માંગે તો ભારે વિરોધ કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે રાજ્યના પોલીસ વડાએ પણ નામ લીધા વિના જ જિજ્ઞેશ મેવાણીને જવાબ આપ્યો છે.
કોઈ અધિકારી કે કર્મચારી ભૂલ કરે તો અમે છીએ
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે નામ લીધા વિના જ કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને જવાબ આપ્યો હતો. તેમણે એક કાર્યક્રમમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે,કોઈ અધિકારી કે કર્મચારી ભૂલ કરે તો અમે છીએ. વિભાગ બહારનો કોઈ વ્યક્તિ મારા અધિકારી કે તમારા કર્મચારીને બોલી જાય એ સહન કરવાની જરૂર નથી.













