સેક્ટર-23માં રહેતાં અને ઈન્ફોસિટીમાં ઓમ એન્ટરપ્રાઈઝ નામે ઓફિસ ચલાવતા નિરવ દવે અને તેની પત્ની મીરા દવેએ ઘણા વેપારીઓ પાસેથી કરોડોની ઠગાઈ કરી હતી. નિવૃત્ત નાયબ સચિવના પુત્ર નિરવે ગુજરાત ટુરિઝમ અને સુરત કોર્પોરેશનમાં કરોડોના ટેન્ડરો લાગ્યા હોવાનું કહીં વેપારીઓને બાટલીમાં ઉતાર્યા હતા. આરોપી સામે ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ત્રણ જેટલા ગુના દાખલ થયેલા છે. સમગ્ર કૌભાંડ બહાર આવતા દંપતીએ આગોતરા જામીન માટે અરજી કરી હતી, જે કોર્ટે ફગાવી દીધી હતી.
ઈન્ફોસિટી પોલીસે આરોપી નિરવ દવેની ધરપકડ કરીને બે ગુનામાં કુલ સાત દિવસ જેટલા રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પૈસા બાબતે કોઈ ખાસ વિગતો સામે આવી નથી. નિરવ પૈસા મોજશોખમાં ઉડાવ્યા હોવાનું કહી રહ્યો છે. દંપતીના બેંક એકાઉન્ટ સીઝ કરીને તપાસ કરાતા તેમાં પણ કંઈ ખાસ મળ્યું નથી. હાલ તો તેના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. બીજી તરફ ઘણા દિવસોથી ભાગતી ફરતી મીરા દવેની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. જ્યારે જેલમાં બંધ નીરવની ત્રીજા ગુનામાં ધરપકડ કરીને રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરાઈ છે.










