ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા તંત્ર દ્વારા આગોતરી તકેદારીના પગલાં રૂપે ભયજનક તથા જોખમી નબળાં માળખાં હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે કરાઈ હતી. જે અંતર્ગત ગાંધીનગર શહેર સહિત જિલ્લામાં 38થી વધુ હોર્ડિંગ્સ, 340થી વધુ વૃક્ષો કે તેની ડાળીઓ, 11થી વધુ વીજપોલ સહિતની વસ્તુઓ હટાવી દેવામાં આવી છે. કોર્પોરેશન વિસ્તારમાં ભયજનક જણાતા 7 હોર્ડિંગ્સ, 327 જોખમી વૃક્ષો/શાખાઓ અને 6 વીજપોલ સુરક્ષિત રીતે દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ભારે પવન કે વરસાદમાં જોખમી તેવા નબળાં 807 મકાનો પૈકી 180 આવાસો સુરક્ષિત હટાવવામાં આવ્યા છે. બાકી રહેતા 627 મકાનધારકોને પૂર્વચેતવણી આપી સલામત સ્થળે ખસવાની નોટિસ તથા મદદ પૂરી પાડવામાં આવી છે. માણસા તાલુકામાં શહેરી વિસ્તારમાં જોખમી જણાતા 1 હોર્ડિંગ્સ, 10 વૃક્ષો/શાખાઓ તથા નબળા 1 માળખાને આગોતરા પગલાંરૂપે દૂર કરવામાં આવ્યા હતા. દહેગામ તાલુકામાં શહેરી વિસ્તારમાં 22 જેટલાં ભયજનક હોર્ડિંગ્સ/બેનરોને ઉતારી લેવામાં આવ્યા છે. જયારે ગ્રામ્ય વિસ્તારમાં 6 ભયજનક હોર્ડિંગ્સ અને 1 નમેલા વૃક્ષનો અવરોધ દૂર કરાયો હતો. ગાંધીનગર તાલુકામાં 2 હોર્ડિંગ્સ અને 2 નમેલા વૃક્ષોને દૂર કરી સલામતી સુનિશ્ચિત કરવામાં આવી હતી. જ્યારે કલોલ તાલુકા વિસ્તારમાં સિમેન્ટના 12 થાંભલા અને 5 જોખમી વીજપોલ સંદર્ભે જરૂરી આગોતરી ચકાસણી અને કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને ભારે વરસાદ અને અતિ પવનની આગાહી દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા તથા ભયજનક માળખાં કે વૃક્ષો નીચે ઉભાન રહેવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો