નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ગાંધીનગર દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને ઈલેક્ટ્રોનિક કચરાના યોગ્ય નિકાલ અંગે જનજાગૃતિ લાવવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈ-વેસ્ટ કલેક્શન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જી.પી.સી.બી.) પ્રાદેશિક કચેરી ગાંધીનગર, ગાંધીનગર મહાનગરપાલિકાના સહયોગથી 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન ઈ-વેસ્ટ કલેક્ટ કરાયું હતું અભિયાન અંતર્ગત નાગરિકોને ઘરમાં પડેલા બિનઉપયોગી ઈલેક્ટ્રોનિક સાધનો જેવા કે જૂના ટીવી, ટેપ રેકોર્ડર, ફેક્સ મશીન, મોબાઇલ, કોમ્પ્યુટર, પ્રિન્ટર, એસી, સ્પીકર વગેરેનો યોગ્ય નિકાલ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઈલેક્ટ્રોનિક કચરામાં રહેલા હાનિકારક તત્ત્વો પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તેથી આવા કચરાનો સરકાર માન્ય એજન્સી મારફ્તે વૈજ્ઞાનિક પદ્ધતિથી સુરક્ષિત નિકાલ કરવામાં આવે છે. સાથે જ નાગરિકોને એકત્રિત કરેલા ઈ-વેસ્ટના બદલામાં કંપનીના ધારાધોરણ મુજબ યોગ્ય વળતર પણ આપવામાં આવે છે. આ વર્ષના અભિયાનમાં ગાંધીનગરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ તેમજ પર્યાવરણપ્રેમી નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સૌના સહિયારા પ્રયાસોથી આશરે એક થી દોઢ ટન જેટલો ઈ-વેસ્ટ એકત્રિત કરવામાં આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો