ગાંધીનગરના ચિલોડાથી દહેગામ તરફ જતા રોડ પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં એક કાર ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતુ તેમજ મહિલા સહીત અન્ય ચાર જણા ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બંને કાર વચ્ચેની ભયંકર ટક્કરમાં બંને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સારવાર માટે દાખલ કરાયેલા ઇજાગ્રસ્તોમાં દહેગામના સાંપા ગામના ઉપસરપંચના પતિની સ્થિતી અત્યંત ગંભીર હોવાની વિગતો જાણવા મળી હતી. ગમખ્વાર અકસ્માતને પગલે સ્થળ પર ટોળા ઉમટી પડયા હતા.


દહેગામ ચિલોડા રોડ આવેલા નાયરા પેટ્રોલપંપની સામે રોડ ઉપર અકસ્માત થયો હતો. જેમાં કાર નંબર જીજે.27.સી એફ.1454 તથા જીજે.18.બીજે.9585 નંબરની કારો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં અમદાવાદ પાસિંગની કારના ચાલક એવા 25 થી 30 વર્ષિય યુવકનું સ્થળ પર જ મોત થયું હતુ. જ્યારે મહિલા સહીત અન્ય ચારેક જણા ગંભીર ઘાયલ થતાં 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાને પગલે ચિલોડા પોલીસે સ્થળ પર પહોંચીને મૃતકની લાશને પીએમ માટે મોકલી આપી હતી. મૃતક તથા ઇજાગ્રસ્તોની પ્રાથમિક વિગતો જાણવા મળી નથી અને પોલીસે સગાઓનો સંપર્ક કરીને વિગતો મેળવવા તજવીજ કરી હતી. જ્યારે બીજી કારમાં બેઠેલા ઇજાગ્રસ્તો પૈકી દહેગામના સાંપા ગામના મહિલા ઉપસરપંચ ઉષાબેનના પતિ જગદીશભાઇ ભલાભાઇ પટેલની સ્થિતી ગંભીર હોવાની વિગતો જાણવા મળી હતી. ચિલોડાથી દહેગામ રોડ પર નવા માર્ગનું કામ ચાલી રહ્યુ છે, ત્યારે વાહનોની ગતિમર્યાદા ઉપર લગામ કસવા રાવ ઉઠી છે. અકસ્માત સ્થળે રોડ પર વાહનોની લાઇનો લાગી ગઇ હતી. આ મામલે ચિલોડા પોલીસે ખરેખર અકસ્માત કેવી રીતે બન્યો તે મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: