ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં રખડતા પશુ ત્રાસ નિવારણ પોલીસી અમલી બની ત્યારથી છેલ્લા બે વર્ષમાં તંત્રના ચોપડે માત્ર 28 પશુમાલિકો દ્વારા જ પશુઓ રાખવા માટે લાયસન્સ મેળવવામાં આવ્યા છે.


જ્યારે આ બે વર્ષના સમયગાળા દરમિયાન સીએનસીડી શાખા દ્વારા શહેરમાંથી 8 હજાર જેટલા પશુઓ પકડવામાં આવ્યા છે. તંત્રને ઘણી અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને પશુપાલકો ઢોર પક્કડ પાર્ટી પર હુમલો કરતા હોય છે. અત્યારસુધીમાં આવા હુમલાની ઘટનામાં છ જેટલી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હવે મ્યુનિ તંત્ર પણ આવા હુમલાખોર અને કામગીરીમાં વિક્ષેપ કરતા ઈસમો વિરૂધ્ધ વધુ કડક કાનૂની કાર્યવાહી કરવા બાબતે વિચારી રહ્યું છે.

શહેરમાં જાહેર સ્થળ કે માર્ગો પર રખડતા પશુઓ રાખવા એ ગુનો છે. ગાંધીનગર સિટીમાં રખડતા પશુઓના નિયંત્રણ માટે થઈને પોલીસી તૈયાર કરવામાં આવી છે. જેમાં પશુઓ રાખવા હોય તો તેનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવાયું છે. ઉપરાંત આરએફઆઈડી ટેગીંગ પણ કરવાનું શરૂ કરાયું છે. અત્યારસુધઈમાં 15 હજારથી વધુ પશુઓનું આરએફઆઈડી ટેગીંગ કરવામાં આવ્યું છે. જ્યારે માત્ર 28 પશુમાલિકોએ જ લાઈસન્સ મેળવ્યું છે. પશુ રજિસ્ટ્રેશનથી કોર્પોરેશનને 12.85 લાખ જેટલી આવક થવા પામી છે. ઉપરાંત પકડાયેલા પશુઓને છોડાવવા હોય તો તે માટે નિયત દંડની રકમ નક્કી કરવામાં આવી છે. આ દંડ ભરપાઈ કરીને પશુઓ છોડાવી જાય છે. જોકે બે વર્ષમાં દંડની આવક 28.52 લાખ જેટલી થઈ છે. ક્યાંક એવી પણ વાત સામે આવી છે કે, પકડાયેલા પશુઓને ઢોર ડબ્બે સેક્ટર-30 ખાતે રાખવામાં આવે છે. ત્યારબાદ પાંજરાપોળ મોકલવામાં આવે છે. અમદાવાદ પાંજરાપોળને લઈને વિવાદ ઉઠયો હતો અને એ કરાર રદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બનાસકાંઠા ખાતેની એક પાંજરાપોળમાં પકડાયેલા પશુઓને મોકલવાનું શરૂ કરાયુ હતું. આ બે વર્ષ દરમિયાનમાં જેટલા પશુઓ પકડવામાં આવ્યા હતા તેમાંથી મ્યુનિ તંત્રને 28.52 લાખની દંડની આવક થઈ હોવાની વિગતો છે. પશુઓને દંડ ભરીને છોડાવી જવાનું પ્રમાણ ઓછું છે.

સેક્ટર-30 ખાતેના ઢોર ડબ્બા જેને વૃંદાવન ધામ નામકરણ કરવામાં આવ્યું છે, આ ઢોર ડબ્બો પણ એક સમયે વિવાદમાં સપડાયો હતો. અહીં પશુઓના કમોતની ઘટનાએ ચર્ચા જગાવી હતી. રાજ્યપાલે ખૂદ મુલાકાત લીધા બાદ કોર્પોરેશનના વહીવટી તંત્રની કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા હતા. ગાંધીનગરમાં પશુપાલકો અને બાઈક પર ધસી આવતા શખસો ઢોર પકડવાની પાર્ટી સાથે ઘર્ષણમાં ઉતરે છે. જીવલેણ હુમલા પણ કરાય છે અને સ્ટાફના કબ્જામાંથી પશુઓ છોડાવી જાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: