અમદાવાદની જેમ ગાંધીનગરમાં પણ કોર્પોરેશન દ્વારા પૅટ ડોગ પોલીસી લાગુ કરવામાં આવી છે. આ સાથે ગાંધીનગરમાં પાલતુ શ્વાન રાખનાર માલિકોએ પોતાના શ્વાનનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે. રજીસ્ટ્રેશન કરાવવા માટે 90 દિવસ સુધીની મહોલત આપવામાં આવી છે. પૅટ ડોગ પોલિસી અંતર્ગત જો શ્વાનનુ રજીસ્ટ્રેશન નહિ કરાવવામાં આવે તો મ્યુનિ તંત્ર દ્વારા નોટિસ ફટકારવાથી લઈને કાયદેસરની કાર્યવાહી કરાશે. આ ઉપરાંત કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ (CNCD)ની ટીમ પણ ઘરે ઘરે જઈ પૅટ ડોગ બાબતે તપાસ કરી શકે છે. આજે 15 ડિસેમ્બર 2025થી પૅટ ડોગનું રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે.


આગામી ત્રણ મહિના સુધીમાં પૅટ ડોગના માલિકોએ રજીસ્ટ્રેશન કરાવી લેવું પડશે. હાલમાં પૅટ ડોગની રજીસ્ટ્રેશન ફી રૂ. 200 રાખવામાં આવી છે. મહાપાલિકા વિસ્તારમાં પણ પાલતુ શ્વાન રાખનારાઓની સંખ્યા વધતી જોવા મળે છે. ઘણાં લોકોમાં શ્વાન પાળવાનો શોખ છે. પરંતુ અત્યાર સુધી શહેરમાં આવા પાલતુ શ્વાન કેટલા છે તેની કોઈ ગણતરી કરવામાં આવી ન હતી. પરંતુ રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવતા શહેરમાં પાલતુ શ્વાન કેટલા છે તેનો આંકડો પ્રાપ્ત થઈ શકશે તેવું તંત્રનુ કહેવું છે. શ્વાનનું રજીસ્ટ્રેશન ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી કરી શકાશે. જરૂરી તમામ વિગતો ભરી, પુરાવા સબમિટ કરી નોંધણીની પ્રક્રિયા કરવાની રહેશે.

સર્ટી,શ્વાન-માલિકનો ફોટો સહિતના પુરાવા ફરજિયાત

રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે ગાંધીનગર કોર્પોરેશનની વેબસાઈટ પરથી ફોર્મ મેળવી શકશે. પૅટ ડોગના રજીસ્ટ્રેશન માટે માલિકે વેક્સીનેશન સર્ટીફિકેટની નકલ, શ્વાનનો ફોટો, માલિકનો ફોટો, માલિકનો આધારકાર્ડ, વેરાબિલ વગેરે પૂરાવા પણ જોડવા પડશે. પાલતુ શ્વાનની નોંધણી બિન-તબદીલી પાત્ર છે, એટલે કે માલિકી બદલાવવાના કિસ્સામાં નવા માલિકે નવી નોંધણી માટે અરજી કરવી પડશે. અરજીમાં પાલતુ શ્વાનના માલિકનું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર, મેઈલ આઈડી વગેરે વિગતો આપવાની રહેશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: