ગાંધીનગર પાસેના ખોરજ ગામે આજરોજ એક બંગલામાં ઘુસી આવેલી શાહુડીનુ સફળતાપુર્વક રેસ્ક્યુ કરાયુ હતું.


રેસ્ક્યુ બાદ તેને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે, શાહુડી તેના શરીર પરના કાંટાળા વાળ માટે પ્રખ્યાત છે. ગાંધીનગરના જંગલ વિસ્તારોમાં શાહુડીની સારી એવી વસતી છે. આ પ્રાણીનું સિડયુલ-1માં સમાવેશ થયેલો છે.

ઉલ્લેખનીય છેકે, શાહુડીના શિકાર અને તેના વેચાણ પર પ્રતિબંધ છે. અગાઉ આ પ્રાણી સિડયુલ-4 ( ઓછી જોખમી શ્રેણી)માં આવતુ હતું. પરંતુ તેના પ્રાકૃતિક નિવાસ્થાનમાં થયેલો ઘટાડો, માનવ ઘુસપેઠ અને ખેતરોમાં ખેડૂતો સાથે થતા સંઘર્ષો બાદ વર્ષ 2022ની સાલમાં તેનું ફરીથી વર્ગીકરણ કરીને ઇન્ડિયન વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ-2022માં તેને સિડયુલ-1ની શ્રેણીમાં મુકવામાં આવ્યુ હતું. ગાંધીનગરના ખોરજ પાસે આજરોજ આ શાહુડી જોવા મળી હતી. અહિ આવેલા સેન્ટોસા ગ્રીનમાં રહેતા બંકિમભાઇ પરિખના બંગલામાં શાહુડી ઘુસી આવી હતી. જે અંગે તેઓએ શ્રીરામ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમને જાણ કરતા ટીમ સ્થળ પર દોડી આવી હતી અને બંગલામાં ઘુસી આવેલી શાહુડીને બહાર કાઢી જંગલ વિસ્તારમાં છોડી મુકવામાં આવી હતી.

બંગલા આસપાસ આવેલા જંગલ વિસ્તારમાંથી આ શાહુડી બંગલામાં ઘુસી આવી હોવાની શક્યતા છે. ઉલ્લેખનીય છેકે, શાહુડી તેના શરીર પરના તીણા કાંટાળા વાળ માટે જાણિતી છે. સામાન્ય રીતે તે આક્રમક હોતી નથી. પરંતુ જ્યારે તેને પોતાના પર જોખમ દેખાય ત્યારે તે પોતાના સ્વબચાવમાં શરીર પરના કાંટાળા વાળ ખંખેરીને સામેની વ્યક્તિ કે પ્રાણીને દુર રાખવા માટે પ્રયાસ કરે છે. શાહુડી ધીમી અને મજબુત પ્રાણી છે. તેને ગંધની ઉત્તમ સમજ હોય છે.

ગોળાકાર શરીર, ટુંકા પગ સાથે શાહુડી મોટાભાગે શાકાહારી પ્રાણીઓ તથા પાંદડા, છાલ, ફુલ, ફળ તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. શાહુડી નિશાચર પ્રાણી છે. તે દિવસે જવલ્લેજ જોવા મળે છે. તેના શરીર પરના કાંટાળા વાળ સરળતાથી અલગ થઇ શકે છે . જે તેની મુખ્ય ખાસિયત છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: