ગાંધીનગર કોર્પોરેશન દ્વારા નિયત સમયમાં મિલકતવેરો નહી ભરવામાં આવતાં બાકીદારોની 78 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે.
આ બાકીદારોએ કોર્પોરેશનની આખરી નોટિસને ગણકારી નહતી. આખરી નોટિસની અવગણના કરવામાં આવતાં મ્યુનિ તંત્ર આક્રમક બન્યું હતું અને બાકીદારોને ટાંચ અને જપ્તી વોરંટ ઈસ્યુ કરી સીલીંગની કાર્યવાહી હાથ ધરી હતી. આગામી દિવસોમાં મ્યુનિ તંત્ર વસુલીને વધુ આકરી બનાવશે. હજુપણ જપ્તીના વોરંટ કાઢવામાં આવશે અને વેરો નહિ ભરનારની મિલકતો સામે સીલીંગથી લઈને હરાજી કરવા સુધીની કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે.
મિલકતવેરાની વસુલાત માટે કોર્પોરેશનની ટેક્ષ શાખા દ્વારા 8260 બાકીદારોને નોટિસ ફટકારવામાં આવી હતી. તંત્રની આખરી નોટિસ જોઈને જપ્તીથી બચવા માટે કેટલાક બાકીદારોએ વેરો ભરી દેવો હિતાવહ માન્યો હતો. આખરી નોટિસના કારણે તંત્રને 7.26 કરોડની વેરા વસુલાત શક્ય બની હતી. જ્યારે અન્ય બાકીદારો કે જેમણે આખરી નોટિસ પછી પણ વેરો નહિ ભરવામાં આવતાં એવા બાકીદારોની સામે ટાંચ અને જપ્તી વોરંટ ઈસ્યુ કરી કુલ 78 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે. જપ્તી વોરંટ અને સીલીંગની કાર્યવાહીના કારણે બાકીદારોમાં ફફડાટ વ્યાપ્યો છે. હજુપણ ઘણા મિલકતધારકોએ મિલકતવેરો ભર્યો ન હોવાનું સામે આવ્યું છે. આવા બાકીદારોને બાકી મિલકતવેરો ભરી દેવા જણાવવામાં આવ્યું છે. નહિ તો ટાંચ કે જપ્તી વોરંટ કાઢવાથી લઈ મિલકતની હરાજી કરવા સુધીના પગલાં ભરવામાં આવશે તેવું જણાવાયું છે.
અત્યાર સુધીમાં 1.26 લાખ લોકોએ ઘરવેરો ભરી દીધો
ઉલ્લેખનીય છે કે, ચાલુ નાણાંકીય વર્ષમાં અત્યારસુધીમાં 1,26,963 જેટલા મિલકતધારકોએ ઘરવેરો ભરી દઈને નિિંૃત થઈ ગયા છે. કોર્પોરેશનની તિજોરીમાં પણ આજદિનસુધીમાં મિલકતવેરાની 69.09 કરોડની વસુલાત ઠલવાવા પામી છે. જેમાં 47 ટકા લોકોએ ઓનલાઈન એટલેકે ડિઝિટલ માધ્યમનો ઉપયોગ કર્યો છે તો 53 ટકા લોકો દ્વારા ઓફલાઈન માધ્યમથી મિલકતવેરો ભરવામાં આવ્યો છે.
બંધ-ખાલી યોજનાનો 719 મિલકતધારકોએ લાભ લીધો
ગાંધીનગર કોર્પોરેશનની મિલકતવેરાની બંધ-ખાલી યોજનાનો ચાલુ વર્ષે 719 મિલકતધારકો દ્વારા લાભ લેવામાં આવ્યો છે. આ મિલકતધારકોને કુલ મિલકતવેરાના 66 ટકા માફી મુજબ કુલ 38.97 લાખના વેરાની માફી આપવામાં આવી છે. કોર્પોેરેશન દ્વારા વપરાશમાં ન આવતી હોય તેવી બંધ મિલકતો માટે બંધ-ખાલી યોજના અમલમાં મૂકવામાં આવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો