સરખેજ-ગાંધીનગર હાઈવે નજીકના ક્ષેત્રોમાં છેલ્લા બે દાયકામાં વિકાસ થયો છે. આ નવું સુનિયોજિતપણે વિકસિત પામેલા પશ્ચિમ અમદાવાદમાં 23મી જુલાઈએ 12 ઈંચ વરસાદથી પાણી ભેગું થયું હતું, જેની અસર શિલજ, બોપલ થઈને છેક ચાંગોદર-બાવળા સુધીના ભૂ-ભાગને થઈ છે. આ ક્ષેત્રમાં કરોડો રૂપિયાના ખર્ચે સ્ટોર્મ (વરસાદી પાણી) અને ગટર ડ્રેનેજનું નેટવર્ક હોવા છતાંય રહેણાંક, વ્યાપારી અને ઔદ્યોગિક એકમોને વ્યાપક નુકસાન થયું છે. જેની પાછળ સાબરમતીને સમાંતર મહેસાણાના કડી, ગાંધીનગરના કલોલ તરફ્થી આવતા કુદરતી કાંસને ટાઉન પ્લાનિંગ (TP)ને નામે નિરસ્ત કર્યાનું ચિત્ર ઉપસ્યું છે.

ગાયકવાડી રાજમાં સાબરમતી નદીના ઉદ્ગમ સ્થાનથી થોળ અને નળસરોવર તરફ્થી વરસાદના પાણીનું વહન કરતા સેંકડો કાંસનું નેટવર્ક ઊભું કરાયું હતું. અલાયદા ગુજરાત રાજ્યની સ્થાપનાના 10 વર્ષ સુધી સિંચાઈ વિભાગે અમદાવાદ જિલ્લામાં 600 જેટલા કાંસને નોટિફાઈડ કર્યા બાદ આ કાંસ વિભાગ જ બંધ કરી દેવાયો છે. ગુજરાતમાં ચાર ઝોનમાં વિભાજિત કાંસ વિભાગ માત્ર નામપૂરતો કાગળ ઉપર ચાલી રહ્યો છે. નોટિફાઈડ થયેલા કાંસને સુજલામ સુફ્લામ યોજના હેઠળ મૂકી દેવાયો છે. એટલું જ નહીં, બ્રિટિશ કાળના સર્વે ઓફ્ ઈન્ડિયાના નકશામાં દર્શાવેલા સેંકડો કાંસ પર બિલ્ડિંગ, રસ્તા અને દબાણો થઈ ચૂક્યાં છે.

અમદાવાદ જ નહીં, સુરત અને વડોદરા સહિતના મહાનગરોમાં ટાઉન પ્લાનિંગ પહેલાં પાણીના કુદરતી ઢોળાવને નજરઅંદાજ કરીને કાંસને પૂરી નાખવાને કારણે કેટલાક વર્ષોથી જળભરાવની સ્થિતિ પરિણમી હોવાની વ્યથા શહેરી વિકાસ, પંચાયત અને સિંચાઈ વિભાગના નિવૃત્ત-હયાત ઓફ્સિરોએ 'સંદેશ' સમક્ષ ઠાલવી છે. સતત વિકાસને કારણે આ ક્ષેત્રોમાં સ્થળ નિરીક્ષણ કર્યા વગર ઓફ્સિમાં બેઠા બેઠા જ સૌથી પહેલાં બિનખેતી (NA) આપી દેવાયું. એથી, જ્યાં પહેલાંથી તારંગાથી, સાબરમતી નદીને સમાંતર ઉત્તર ગુજરાત તરફ્ના ક્ષેત્રોમાંથી આવતા કુદરતી કાંસ હતા, ત્યાં જમીનના ઢોળાવની પરવા કર્યા વગર ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ અમલમાં મૂકીને ફાઈનલ પ્લોટ ફાળવી દેવાયા. તેમાં મહેસૂલ વિભાગના સેટલમેન્ટ કમિશનરેટના માપણી અધિકારીઓ દ્વારા વરસાદી પાણીને કડી પાસેના થોળ તળાવ, સાણંદ પાસેના નળસરોવર અને ગાંધીનગર-અમદાવાદ વચ્ચે સાબરમતી નદી તરફ્ પાણીનું વહન કરતા કાંસને ગાયબ કરી દેવાયા હોવાનું કહેવાય છે. માત્ર પાણીના નાના-મોટા વહેણને નદી, તળાવ તરફ્ લઈ જતા કાંસ જ નહીં, નવા વિસ્તારોમાં વિકાસને નામે વોલ-ટુ-વોલ રસ્તા, હાઈવે, રિંગ રોડનો ઊંચો ભાગ, ઓવરબ્રિજ, અંડરબ્રિજને કારણે પણ જળભરાવો થતાં નવા વિસ્તારો ડૂબમાં ગયા છે. આથી, હવેથી TPમાં પણ રોડ, રસ્તા, સામાજિક સેવાની જેમ વરસાદી પાણીના નિકાલ માટે ખુલ્લા કાંસને યથાવત રાખીને જમીન રિઝર્વેશન રાખી વ્યવસ્થાનું સર્જન કરવું પડે તેમ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો