ગાંધીનગર કોર્પોરેશન દ્વારા ફાયરબ્રિગેડમાં ચીફ ફાયર ઓફિસરની કાયમી ભરતી પ્રક્રિયાની જવાબદારી જીપીએસસીને સોંપવામાં આવી છે.
જીપીએસસીએ ભરતી પ્રક્રિયા પૂરી કર્યા બાદ મેરીટમાં પ્રથમ આવેલા ઉમેદવાર ઓમ જાડેજાના નામની ભલામણ કરવામાં આવી હતી. ઓમ જાડેજા અમદાવાદ ફાયર બ્રિગેડના ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવે છે. પરંતુ તેમની સામે કોર્ટમાં નકલી સ્પોન્સરશિપ લેટર્સ તથા ડીગ્રીનો કેસ ચાલી રહ્યો હોવા ઉપરાંત અમદાવાદ કોર્પોરેશને તેમને છૂટા નહીં કરતાં ગાંધીનગર કોર્પોરેશનની દરખાસ્તના આધારે જીપીએસસી દ્વારા પ્રતિક્ષા યાદીનો ઉપયોગ કરવામાં આવ્યો અને તે યાદીમાં પ્રથમ ક્રમના ઉમેદવાર રત્નદીપ ત્રિવેદીના નામની ભલામણ કરી હતી. પરંતુ આ ઉમેદવારે કોઈ કારણોસર ગાંધીનગર હાજર થવાનું ટાળ્યું.
આથી હવે પ્રતિક્ષા યાદીમાં બીજા ક્રમના ઉમેદવાર અનિરૂધ્ધ ગઢવીની ભલામણ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, અનિરૂધ્ધ ગઢવી સામે પણ ફરજી સ્પોન્સરશીપ લેટર્સ અને ડીગ્રીનો કોર્ટ કેસ પેન્ડીંગ છે. અનિરૂધ્ધ ગઢવી પણ અમદાવાદ ફાયરબ્રિગેડમાં જ ફરજ બજાવતા હતા. પરંતુ ફર્જી સ્પોન્સરશીપ લેટર્સ તથા ડિગ્રીનો ભાંડો ફૂટતા તેમને અમદાવાદ કોર્પોરેશન દ્વારા જે તે સમયે અન્ય ત્રણ કર્મચારીઓની સાથે જ છૂટા કરી દેવામાં આવ્યા હતા. હાલમાં તેઓ શહેરી વિકાસ વિભાગ હેઠળ ડેપ્યુટી રીજનલ ફાયર ઓફિસર તરીકે સુરત ખાતે સેવા બજાવી રહ્યા છે. તેમની આ નિમણૂક શરતી ધોરણે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જો કોર્ટ તેમની વિરૂધ્ધમાં ચૂકાદો આપશે તો તેમને તાત્કાલિક દૂર કરવામાં આવશે.
અહીં મુદ્દો એ છે કે, અમદાવાદ ફાયર વિભાગમાંથી નકલી સ્પોન્સરશિપ લેટર્સ સાથે ડિગ્રી મેળવવા બદલ બરતરફ થયેલા ત્રણ અધિકારીઓની જીપીએસસીની ભરતી પ્રક્રિયામાં વર્ગ-1 અને વર્ગ-2ની જગ્યાઓ માટે પસંદગી જ્યારે થઈ ત્યારે જ વિવાદ સર્જાયો હતો.
તો જીપીએસસીને નવેસરથી ભરતી પ્રક્રિયા કરવી પડશે
જો ત્રીજા પ્રયાસમાં પણ ગાંધીનગર કોર્પોરેશનને ચીફ ફાયર ઓફિસર નહીં મળી શકે તો શું? આવો એક સવાલ લોકોમાં ચર્ચાય રહ્યો છે. ગાંધીનગર કોર્પોરેશન અસ્તિત્વમાં આવી ત્યારથી ફાયરબ્રિગેડમાં ચીફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી છે. આ જગ્યા ક્યારેય ભરાઈ નથી. પહેલીવાર પ્રયાસ કરવામાં આવ્યો તેમાંપણ જીપીએસસી અને ગાંધીનગર કોર્પોરેશન બંનેને પરસેવો છૂટી રહ્યો છે. જો ત્રીજા પ્રયાસમાં પણ નહિ મેળ પડે તો જીપીએસસી દ્વારા ચીફ ફાયર ઓફિસરની જગ્યા માટે નવેસરથી ભરતી પ્રક્રિયા હાથ ધરવાની આવશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો