ગાંધીનગર મહાપાલિકા દ્વારા સતત બીજા દિવસે જાહેર માર્ગ વચ્ચે ટ્રાફિકને અડચણરૂપ ધાર્મિક દબાણ પર તવાઈ લાવવામાં આવી હતી. સરગાસણ ટીપી-9/એમાં રસ્તા વચ્ચે અડચણરૂપ બિનઅધિકૃત ધાર્મિક દબાણ આવેલું હતું, જેને આજે દબાણ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.
મહાપાલિકા વિસ્તારમાં ઘણી જગ્યાએ જાહેર રસ્તાઓ પર બિનઅધિકૃત ધાર્મિક દબાણો આવેલા છે. જેની સામે દિવાળીની રજાઓ બાદ ફરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ ધાર્મિક બાંધકામ રસ્તા, જળાશય કે રેલવે ટ્રેક પર અવરોધ ઉભો કરતું હોય, તો ધર્મના ભેદભાવ વિના તેને દૂર કરવું ફરજિયાત છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુઓ મોટો અરજી હેઠળ ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરવાની કામગીરી પર દેખરેખ રાખવામાં આવી રહી છે. મ્યુનિ કમિશનરના અધ્યક્ષસ્થાને ખાસ કમિટી બનેલી છે. સરકાર દ્વારા સતત રીવ્યુ કરવામાં આવે છે. કાર્યવાહીનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજુ કરાય છે. ગઈકાલે ઝુંડાલ રોડ પરથી ગેરકાયદે ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું હતું. આજે સરગાસણ ખાતે ટીપી સ્કીમ 9/એમાં બિનઅધિકૃત ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગતમાં વાસણા હડમતિયા ખાતે દેવભૂમિ સોસાયટીના દિવાલને અડીને રસ્તા પર વળાંક પાસે જ બિનઅધિકૃત ધાર્મિક દબાણ આવેલું હતું. જે રસ્તાના વળાંક પાસે જ હોવાથી વાહનચાલકો અને રાહદારીઓની અવરજવરમાં અવરોધરૂપ હતું. આજે મોડી રાતે મહાપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખાની ટીમ દ્વારા સંયુક્ત રીતે આ દબાણને હટાવી રસ્તાની જગ્યાને ખૂલ્લી કરવામાં આવી હતી. આમ સતત બીજા દિવસે મ્યુનિ તંત્ર દ્વારા ગેરકાયદે ધાર્મિક દબાણ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
