ગાંધીનગરની સ્થાપના માટે પોતાની મહામૂલી જમીન પાણીના ભાવે આપનાર સાત ગામોના પ્રશ્નો હજુપણ પડતર છે.


આ સાત ગામોની માંગો હજુપણ સરકાર દ્વારા સંતોષવામાં નથી આવી. જેને લઈ આંદોલનનું શસ્ત્ર ઉગામશે. ગાંધીનગર શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન કરવાની મંજુરી માંગવામાં આવી છે.

આગામી 30 ડિસેમ્બર 2025 થી 9 જાન્યુઆરી 2026 કુલ 11 દિવસ સુધી સત્યાગ્રહ છાવણી સેક્ટર-6 ખાતે આ આંદોલન કરવાનું આયોજન છે. જેમાં દરેક ગામના પાંચ-પાંચ ગ્રામજનોને બેસવા માટે મંજુર આપવા અપીલ કરવામાં આવી છે.

ધોળાકૂવા, પાલજ, ઈન્દ્રોડા, શાહપુર, બાસન, બોરીજ સહિત સાત ગામના લોકો પોતાની લાંબા સમયથી પડતર માંગો-પ્રશ્નોને લઈ લડી લેવાના મૂડમાં છે. સાત ગામોના ગ્રામજનો મકાનોના ભોગવટા નિયમીત કરી આપવાની માંગ કરી છે. વર્ષ 1997માં આ અંગે તત્કાલીન મંત્રીની અધ્યક્ષતામાં બેઠક પણ મળી હતી અને મહેસુલ વિભાગ દ્વારા વર્ષ 2016માં જોગવાઈ અનુસાર કાર્યવાહી કરવાનો પરિપત્ર પણ કરવામાં આવ્યો હોવાછતાં હજુ સુધી આ મામલો લટકેલો પડયો છે. તેનો નિવેડો નથી આવ્યો. સાત ગામના મૂળ નિવાસીઓને રહેણાંકની જરૂરિયાત પૂરી પાડવા આવાસ બનાવી આપવા અથવા રહેણાંકના પ્લોટ આપવા, સરદાર સરોવરના જમીન અસરગ્રસ્તોને આપેલા લાભો જેવા જ લાભો આપવા, અસરગ્રસ્તોને ફાળવાયેલી ચીપટાઈપની દુકાનો ભાડાપધ્ધતિના બદલે માલિકી હક્કે આપવા, ગાંધીનગર શહેર સમકક્ષ સુવિધાઓ પુરી પાડવા સહિતની માંગો પડતર છે. છેલ્લા ઘણા સમયથી પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ગાંધીનગર શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળ દ્વારા સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવી છે.

સંબંધિત ખાતાના ઉચ્ચ અધિકારીઓની સાથે મિટીંગ યોજાઈ હતી છતા ઉકેલ ના આવ્યો

ગાંધીનગર શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળ દ્વારા જૂન 2022 અને જુલાઈ 2023માં બેઠક કરવામાં આવી હતી. વર્ષ 2022માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને તેમના અધ્યક્ષપદે જેતે સંબંધિત ખાતાના ઉચ્ચ અધિકારીઓની સાથે મિટીંગ યોજવામાં આવી હતી. પ્રશ્નોની વિગતવાર ચર્ચા કર્યા પછી જરૂરી કાર્યવાહી માટે મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી હોવાનો સંગઠન પ્રમુખે દાવો કર્યો છે. પરંતુ એ બેઠક પછી પણ કંઈ ના ઉપજ્યું, તેવી જ રીતે વર્ષ 2023માં માં મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બેઠક મળેલી. જેમાં શહેરી વિકાસ વિભાગ, કલેક્ટર તથા ગાંધીનગરમ્યુનિસિપલ કમિશનરને જરૂરી વિગતો રજુ કરવા સૂચના આપવામાં આવી હતી. પરંતુ બે વર્ષથી પણ વધુનો સમય થઈ ગયો છતાં નક્કર કાર્યવાહી થઈ નથી. જેને લઈ ગ્રામજનોમાં નારાજગી અને ભારે અસંતોષ ફેલાયેલો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: