કલોલમાં અંબિકાનગર સોસાયટીમાં રહેતાં નિવૃત્ત શિક્ષિકાને ડિજિટલ એરેસ્ટ કરીને ગઠીયાઓએ 47 લાખ રૂપિયા પડાવી લીધા હતા. મની લોન્ડરિંગ કેસમાં કેસમાં સંડોવણી હોવાનું કહીંને વૃદ્ધાને ફસાવ્યા હતા. તેઓ પાસેથી 47 લાખ પડાવી લીધા બાદ ગઠીયાઓએ વધુ દોઢ કરોડ માંગ્યા હતા. જેથી નિવૃત્ત શિક્ષિકા પોતાની તમામ એફડી તોડાવી નાખી હતી. બેંક મેનેજરની સતર્કતાથી વૃદ્ધાના પૈસા બચ્યા હતા.


કલોલ અંબિકાનગર સોસાયટી વિભાગ-2 ખાતે રહેતાં 63 વર્ષીય ઉર્મિલાબેન કાંતીલાલ પટેલ શિક્ષિકા તરીકે નિવૃત્ત થયા છે. તેઓ એકલા જ નિવૃત્ત જીવન ગાળે છે. 3 ડિસેમ્બરે તેઓ ઉપર ફોન આવ્યો હતો જેમાં દૂર સંચાર વિભાગની ઓળખ આપી હતી. વૃદ્ધાના આધારકાર્ડ ઉપરથી સીમકાર્ડ લઈને તેનાથી ફ્રોડ કોલ થયેલા હોવાની જાણ કરી હતી. જે મહિલાનું સીમકાર્ડ બંધ કરી દેવાની અને સીમકાર્ડ ચાલુ રાખવું હોય તો મુંબઈ ક્રાઈમ બ્રાંચમાંથી પીસીસી સર્ટી લાવવા કહ્યું હતુ. વૃદ્ધાએ પોતે મુંબઈ જઈ શકે તેમ ન હોવાનું કહેતાં ગઠીયાએ ક્રાઈમ બ્રાંચના અધિકારીનો નંબર આપ્યો હતો. જે નંબર ઉપર ફોન કરતાં સામેવાળા શખસે સર્ટી આપવાની ના પાડીને નરેશ ગોયલના 538 કરોડની ઉચાપત મની લોન્ડરીંગ કેસમાં વૃદ્ધા સસ્પેક્ટ હોવાની વાત કરી હતી. જે માટે વોટ્સએપ પર ઈડીનો એરેસ્ટ ઓર્ડરનો ફોટો મોકલી આપ્યો હતો. બાદ ગઠીયાએ સાદા ફોનમાંથી વિડિયો કોલ કરીને મુંબઈમાં વૃદ્ધાના નામે બેંક એકાઉન્ટ હોવાનું કહીંને તેનું એટીએમ કાર્ડ બતાવ્યું હતુ. ચાલુ વિડિયો કોલમાં જ વૃદ્ધાના નામવાળુ એટીએમ પણ વોટ્સએપ કર્યું હતુ. ગઠીયાએ કહ્યું હતું કે, વૃદ્ધાના બેંક ખાતામાં 24 પરિવારોએ પુષ્કળ પૈસા નાખ્યા છે, જેની રસીદો નરેશ ગોયલે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી હોવાનો દાવો કર્યો હતો. જેના આધારે સીઆઈઆઈ સ્કોડે વૃદ્ધાને એરેસ્ટ કરવાનો ઓર્ડર આપ્યો હોવાનું કહીં ગઠીયાએ સુપ્રિકોર્ટના સહીસિક્કા વાળો લેટર વીડિયો કોલમાં બતાવીને વોટ્સએપ કર્યો હતો. વૃદ્ધાએ મુંબઈ પહોંચી નહીં શકુ તેવું કહેતાં ગઠીયાએ તેમને વીડિયોકોલથી સુપ્રિમકોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં ન્યાયધીશ બનીને બેઠેલા ગઠીયાએ પ્રાયોરિટી ઈન્વેસ્ટીગેશન મંજૂર કરીને વૃદ્ધાનો એરેસ્ટ ઓર્ડર કેન્સલ કર્યો હતો. તપાસના નામે ઠગોએ 47 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. બાદ વૃદ્ધાની તમામ એફડી ક્લોઝ કરાવીને દોઢ કરોડ જમા કરવા માટે કહ્યું હતું. ગભરાઈ ગયેલા વૃદ્ધાએ પોતાની તમામ એફડી પણ તોડાવી દીધી હતી. જે બાદ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની કલોલ બ્રાંચમાં જઈને બેંક મેનેજરને પૈસા ગઠીયાએ આપેલા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની વાત કરી હતી. જોકે બેંક મેનેજરે તેમને સાવચેત કરી દેતા તેઓએ વધુ પૈસા નાખ્યા ન હતા. વૃદ્ધાએ સાયબર ક્રાઈમ હેલ્પલાઈનમાં પોતાની ફરિયાદ કરતા સાઈબર પોલીસ સ્ટેશન ગાંધીનગર રેન્જ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: