ગાંધીનગરમાં આજે PM કિસાન ઉત્સવ દિવસની ટાઉનહોલ ખાતે ઉજવણી કરાઇ હતી. આ સાથે જ જિલ્લા પંચાયતની પ્રત્યેક સીટ દીઠ બે કાર્યક્રમ મળી કુલ 57 સ્થળોએ આ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. અંતર્ગત ગાંધીનગર જિલ્લાના કુલ 1,27,125 એક્ટિવ રજીસ્ટર્ડ ખેડૂતોને 24 માં હપ્તા પેટે કુલ રૂા. 25.42 કરોડ ડી.બી.ટી મારફત સીધા બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવ્યા છે. જેનાથી જિલ્લાના ખેડૂતોમાં ભારે આનંદની લાગણી પ્રસરી છે. ટાઉન હોલખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં પ્રગતિશિલ ખેડૂતોનું સન્માન પણ કરાયુ હતું. જેમાં અગ્રણી જગદિશ વિશ્વકર્મા તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે રામજીના છાપરાના ખેડૂત પરમાર મહોબતસિંહ, ગોલથરાના ઠાકોર કાળાજી, ચાંદીસણાના ઠાકોર બલદેવજી, ધણપના રાણા દિલિપસિંહનું પ્રાકૃતિક ખેતી અંતર્ગત ઉત્કૃષ્ઠ કામગીરી કરતા સન્માન કરાયુ હતું. આ સાથે છત્રાના સહદેવદાન ગઢવીને પશુપાલન ક્ષેત્રે અને ધણાસણા ગામના મહેશભાઇ પટેલને બાગાયતી ખેતી ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ સન્માનિત કરાયા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ખેડૂતોને ઓનલાઇન માધ્યમથી બનાસકાંઠામાં યોજાયેલા રાષ્ટ્રિય કાર્યક્રમનું જીવંત પ્રસારણ દર્શાવવામાં આવ્યુ હતું.
